Loading Please Wait !!!
મિત્રએ જ પીઠમાં ખંજર ભોંક્યું: નિવૃત્ત અધિકારીના 15 લાખ ઓળવી જનાર સામે ફરિયાદ

  • પુત્રની માનસિક બીમારીની સારવારના બહાને રમેશ વાહજડીયાએ લાખો રૂપિયા પચાવી પાડ્યા
  • મકાન વેચાણના પૈસા પર દાનત બગાડી, 2 ગેસ સિલિન્ડર પણ પડાવી લીધા
  • વલ્લભીપુર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ, આરોપીની તપાસ શરૂ

સિટી ન્યુઝ @ વલ્લભીપુર

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં એક નિવૃત્ત અધિકારી સાથે તેમના જ અત્યંત નજીકના મિત્રએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલ્લભીપુરના આશીર્વાદ ફુલવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત અધિકારી મનીષભાઈ ત્રિવેદીએ પોતાના મિત્ર રમેશ નાથાભાઈ વાહજડીયા વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને 15 લાખથી વધુની રકમ પચાવી પાડવા અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, ફરિયાદી મનીષભાઈ અને રમેશ વાહજડીયા વચ્ચે ગાઢ મિત્રતા હતી. વર્ષ 2020 માં મનીષભાઈએ પોતાનું એક મકાન વેચ્યું હતું. આ મકાનના વેચાણના સોદા વખતે રમેશ અને દલાલ સંજય ડાભી બંને હાજર હતા. મકાન વેચાણમાંથી આવેલા રૂપિયા જોઈને મિત્ર રમેશની દાનત બગડી હતી. મનીષભાઈના પુત્રને માનસિક બીમારી હોવાથી, રમેશે તેની સારી જગ્યાએ સારવાર કરાવી આપવાના બહાને તેમને વિશ્વાસમાં લીધા હતા અને કટકે-કટકે રૂપિયા 15 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.

માત્ર રોકડ રકમ જ નહીં, પરંતુ રમેશે મનીષભાઈના નામના ભારત પેટ્રોલિયમના 3000 રૂપિયાની કિંમતના બે ગેસ સિલિન્ડર પણ વિશ્વાસમાં લઈને પોતાના પાસે રાખી લીધા હતા. લાંબો સમય વીતી જવા છતાં રમેશે પુત્રની કોઈ સારવાર કરાવી ન હતી. જ્યારે મનીષભાઈએ વારંવાર પોતાના 15 લાખ રૂપિયા અને ગેસ સિલિન્ડર પરત માંગ્યા, ત્યારે રમેશે ઉડાઉ જવાબો આપીને ઉઠમણું કર્યું હતું. આખરે પોતાના જ મિત્ર દ્વારા આચરાયેલા આ વિશ્વાસઘાતથી કંટાળીને મનીષભાઈએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.

આર્થિક વ્યવહારોમાં સાવચેતી જ સૌથી મોટો બચાવ આજના સમયમાં પૈસા ભલભલાના ઈમાન ડગાવી દે છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે અંગત સંબંધો કે ગાઢ મિત્રતામાં પણ જ્યારે મોટા આર્થિક વ્યવહારોની વાત આવે ત્યારે સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ. કોઈના પર આંધળો વિશ્વાસ મૂકીને લાખો રૂપિયા રોકડેથી કે કાયદાકીય લખાણ વિના આપવા એ મોટા જોખમને આમંત્રણ આપવા સમાન છે. ભાવનાઓમાં તણાઈને લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ભારે આર્થિક નુકસાન અને માનસિક ત્રાસનું કારણ બની શકે છે.