Loading Please Wait !!!
વડોદરામાં NEET પરીક્ષા માટે લોખંડી બંદોબસ્ત, 17 સેન્ટર 'હાઈ સિક્યુરિટી ઝોન' જાહેર

રવિવારે 6048 ઉમેદવારો આપશે પરીક્ષા, બાયોમેટ્રિક ચેકિંગ માટે સમય 15 મિનિટ વધારાયો

વડોદરા ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક અને વધારાના ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા

ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ નથી, પરંતુ કડક ચેકિંગ માટે વિદ્યાર્થીઓએ વહેલા પહોંચવું પડશે

સિટી ન્યુઝ @ વડોદરા

દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મોટી અને પેપરલીક મામલે ભારે વિવાદોમાં રહેલી NEET-UG ની પુનઃ પરીક્ષા આગામી 21 જૂન, 2026 ને રવિવારના રોજ યોજાનાર છે. આ અત્યંત સંવેદનશીલ પરીક્ષાને સંપૂર્ણપણે પારદર્શી, સુરક્ષિત અને ક્ષતિરહિત બનાવવા માટે NTA અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, તેથી કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રોને 24 કલાક પહેલાંથી જ 'હાઈ સિક્યુરીટી ઝોન'માં ફેરવી દઈ પોલીસનો ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ વખતે વિદ્યાર્થીઓની સુવિધા માટે પરીક્ષાના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. પરીક્ષાનો સમય 180 મિનિટથી વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવ્યો છે. આ વધારાની 15 મિનિટનો ઉપયોગ વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક વેરિફિકેશન અને અટેન્ડન્સ માટે કરાશે. આ ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના દાખલા ગણવા માટે રફ વર્કના પેજ 2 થી વધારીને 4 કરવામાં આવ્યા છે. ડ્રેસ કોડ મામલે એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે પાઘડી, હિજાબ, સિંદૂર કે અન્ય ધાર્મિક પ્રતિકો પર પ્રતિબંધ નથી, પરંતુ આવા ઉમેદવારોએ ચેકિંગ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.

વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર વિશેષ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે, જ્યાંથી ટ્રેન કનેક્ટિવિટીની માહિતી મળશે. ભીડને ધ્યાનમાં રાખીને વડોદરામાં 3 અને અન્ય સ્ટેશનો પર 1-1 વધારાના UTS ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. વાણિજ્યિક વિભાગ અને RPF ના જવાનોની ખાસ તૈનાતી કરવામાં આવી છે જેઓ મુસાફરોને માર્ગદર્શન આપશે. વધુમાં રેલવે દ્વારા વિદ્યાર્થીઓ માટે 'બાંદ્રા ટર્મિનસ-મણિનગર સ્પેશિયલ' અને 'બાંદ્રા ટર્મિનસ-ડૉ. આંબેડકર નગર સ્પેશિયલ' ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

NTA સામે પારદર્શિતા સાબિત કરવાનો પડકાર

અગાઉ યોજાયેલી NEET પરીક્ષામાં પેપરલીક અને ગ્રેસ માર્ક્સના મુદ્દે સર્જાયેલા ભારે હોબાળા બાદ NTA ની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ પુનઃપરીક્ષા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને મહેનત સાથે સીધી રીતે જોડાયેલી છે. તંત્ર દ્વારા ભલે ગમે તેટલા સુરક્ષા દાવાઓ થતા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો ફરી કોઈ ક્ષતિ રહી ગઈ તો એજન્સીનો આખો સિસ્ટમ શંકાના ઘેરામાં આવી જશે. તેથી આ પરીક્ષા એ માત્ર વિદ્યાર્થીઓની નહીં, પરંતુ NTA ની પણ અગ્નિપરીક્ષા છે.