ઑફિસની દોડધામમાં બાળક ભુલાય છે? અપનાવો 10-10-10નો મૅજિકલ રૂલ
- 24 કલાક નહીં, માત્ર 30 મિનિટ આપો અને બાળકને ઇમોશનલી સ્ટ્રોંગ બનાવો
- ડૉ. સ્વાતિ પોપટ વત્સનો 30 મિનિટનો ફોર્મ્યુલા બાળકમાં નવો આત્મવિશ્વાસ જગાવશે
- સવાર, સાંજ અને સ્કૂલ પછીની 10 મિનિટ બાળકના માનસિક વિકાસ માટે જાદુઈ દવા
સિટી ન્યુઝ @ મુંબઈ
વર્કિંગ પેરન્ટ્સ બાળકોને સમય ન આપી શકવાના ગિલ્ટથી બચે ઑફિસની ડેડલાઇન્સ અને ઘરની જવાબદારીઓ વચ્ચે પિસાતા વર્કિંગ પેરન્ટ્સ હંમેશાં એ ગિલ્ટ અનુભવે છે કે તેઓ બાળકને પૂરતો સમય નથી આપી શકતા. પરંતુ, મુંબઈની અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશનનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સના જણાવ્યા અનુસાર, બાળકને 24 કલાકની જરૂર નથી. જો માતા-પિતા રોજ માત્ર 30 મિનિટ કોઈપણ પ્રકારના ડિસ્ટ્રેક્શન વગર બાળકને આપે, તો તે ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત બની શકે છે. આ માટે 10-10-10નો મૅજિકલ રૂલ અપનાવવો અત્યંત જરૂરી છે.
સવાર, રાત અને જરૂરિયાતના સમયે 10 મિનિટ ફાળવવી જરૂરી આ મૅજિકલ રૂલ પ્રમાણે સવારે બાળક જાગે ત્યારે તેને વહાલ કરવા માટે 10 મિનિટ આપો, જેથી તેનો દિવસ સ્ટ્રેસ વગર શરૂ થાય. રાત્રે સૂતી વખતે એલેક્સા જેવા કૃત્રિમ અવાજને બદલે તમારી પોતાની વાર્તાઓ અને હૂંફ સાથે બીજી 10 મિનિટ વિતાવો. આ ઉપરાંત, દિવસ દરમિયાન જ્યારે બાળક સ્કૂલેથી પાછું આવે અથવા તે ઇમોશનલી અપસેટ હોય ત્યારે ઑફિસના કામ પડતા મૂકીને તેને 10 મિનિટ આપો. આ નાનકડો સમય બાળકની અંદર રહેલી ઇમોશનલ બૅટરી તરત જ ચાર્જ કરી દે છે.
પૂરા અટેન્શનથી બાળકમાં આત્મવિશ્વાસ અને માનસિક સુરક્ષા વધશે પેરન્ટ્સ જ્યારે બધું જ કામ બાજુ પર મૂકીને પોતાનું પૂરેપૂરું અટેન્શન આપે છે, ત્યારે બાળકના મગજમાં ડોપમાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે. તેનાથી બાળકની સેલ્ફ-એસ્ટીમ વધે છે અને તેને અહેસાસ થાય છે કે કોઈ પણ મુશ્કેલીમાં માતા-પિતા તેની સાથે છે. બાળક સ્કૂલેથી આવે ત્યારે ઇન્ટ્રોગેશન કરવાને બદલે પેરન્ટ્સે પોતાના દિવસની વાતો શૅર કરવી જોઈએ. આ પ્રકારનો સહજ સંવાદ બાળકને માનસિક સુરક્ષા કવચ પૂરું પાડે છે અને તે જિંદગીના પડકારોનો સામનો હસતા મોઢે કરી શકે છે.
બાળકની ઇમોશનલ બૅટરી ચાર્જ કરવાનું જાદુઈ કનેક્શન
નાનું બાળક બોલીને લાગણીઓ વ્યક્ત કરી શકતું નથી. જ્યારે તે કારણ વગર કિચકિચ કરે કે તમને કામમાં ડિસ્ટર્બ કરે, ત્યારે સમજવું કે તેને તમારા સાથની જરૂર છે. આવા સમયે લાંબો સમય ઇન્વેસ્ટ કરવાને બદલે માત્ર એક સેકન્ડનો બ્રેક લઈને બાળકની આંખોમાં જોઈને પ્રેમથી એટલું જ કહો કે તમે તેની સાથે છો. તમારું એક સ્મિત અને પ્રેમભરી નજર તેની ઇમોશનલ બૅટરી ફુલ ચાર્જ કરવા પૂરતી છે.