'આલ્ફા' ફિલ્મમાં આલિયા ભટ્ટને શર્વરી કરતા 8 ગણી વધુ ફી
- આલિયાને 25 કરોડ, શર્વરીને માત્ર 3 કરોડ, પ્રમોશનમાં પણ એકતરફી ભેદભાવની ચાહકોમાં ચર્ચા
- વિલન બોબી દેઓલને 6 કરોડ અપાયા, હૃતિક રોશનની કેમિયો ફી હજુ પણ રહસ્ય
- આલિયા ભટ્ટને 25 કરોડ ચૂકવાયા, શર્વરીને સાઇડલાઇન કરાતા સોશિયલ મીડિયા પર ચાહકોનો રોષ
સિટી ન્યુઝ @ મુંબઈ
બોલીવુડમાં આગામી સ્પાય એક્શન ફિલ્મ 'આલ્ફા' તેની દમદાર સ્ટારકાસ્ટ અને તેમને ચૂકવાયેલી તગડી ફીને લઈને ભારે ચર્ચામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી આલિયા ભટ્ટને 25 કરોડ રૂપિયાની માતબર ફી ચૂકવવામાં આવી હોવાની જોરદાર ચર્ચા છે. તેની સામે બીજી હિરોઇન શર્વરીને 8 ગણી ઓછી એટલે કે માંડ 3 કરોડ રૂપિયા જ ફી તરીકે અપાયા છે. અત્યાર સુધીના પ્રમોશનલ કેમ્પેઈનમાં પણ આલિયાની સરખામણીએ શર્વરીની ભારે અવગણના કરવામાં આવી હોવાથી ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ 100 કરોડના મોટા બજેટવાળી ફિલ્મમાં અન્ય કલાકારોની ફી પણ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં વિલનની દમદાર ભૂમિકા ભજવતા બોબી દેઓલ અને પીઢ અભિનેતા અનિલ કપૂર બંનેને 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની અટકળો ચાલી રહી છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો હિસ્સો ગણાતી આ ફિલ્મમાં સુપરસ્ટાર હૃતિક રોશન પણ 'મેજર કબીર ખાન' તરીકે એક નાનકડી પરંતુ ખૂબ જ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ કેમિયો માટે તેને કેટલી રકમ ચૂકવાઈ છે તે હજુ રહસ્ય જ છે.
બોક્સ ઓફિસ પર 3 જુલાઈએ મોટો ક્લેશ જોવા મળશે, કારણ કે 'આલ્ફા'ની સાથે જ અન્ય એક મહિલા પ્રધાન એક્શન ફિલ્મ 'બેબી ડુ ડાઇ ડુ' પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી હુમા કુરેશી એક બહેરી અને મૂંગી ફીમેલ એસેસિન (હત્યારી) ની અત્યંત રસપ્રદ ભૂમિકા ભજવી રહી છે. એક તરફ આલિયા અને શર્વરીની સ્પાય યુનિવર્સમાં એન્ટ્રી અને બીજી તરફ હુમાની ડાર્ક એક્શન ફિલ્મ, આ બંને ફિલ્મોને લઈને સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા અને રોમાંચ જોવા મળી રહ્યો છે.
પેમેન્ટ ગેપ અને પ્રમોશનમાં ભેદભાવ
બોલીવુડમાં સમાન કામ સમાન વેતનની વાતો વચ્ચે 'આલ્ફા' ફિલ્મનો આ કિસ્સો પેમેન્ટ ગેપની વાસ્તવિકતા છતી કરે છે. એક જ ફિલ્મમાં લીડ રોલ કરતી બે અભિનેત્રીઓની ફીમાં 8 ગણો મોટો તફાવત અને પ્રમોશનલ ઇવેન્ટ્સમાં પણ એકની અવગણના દર્શાવે છે કે સ્ટાર પાવર અને બ્રાન્ડ વેલ્યુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે, જેને લીધે ઘણીવાર નવા કે ઓછા પ્રખ્યાત કલાકારોને અન્યાય સહન કરવો પડે છે.