બર્થડે વેકેશન પર અભિનેત્રી જાસ્મીન ભસીન દુબઈની હોસ્પિટલમાં દાખલ
- આંતરડાની ગંભીર બીમારી 'ટર્મિનલ આઇલીટીસ'નું નિદાન, અલી ગોનીએ ચાહકોને આપી જાણકારી
- દુબઈ પહોંચતા જ તબિયત લથડી, ઇન્સ્ટાગ્રામ પર આપી સ્વાસ્થ્ય અંગે અપડેટ
- જાણો શું છે 'ટર્મિનલ આઇલીટીસ' બીમારી, જેના કારણે અભિનેત્રી છે હોસ્પિટલમાં
સિટી ન્યુઝ @ મુંબઈ
ટીવી જગતની જાણીતી અભિનેત્રી જાસ્મીન ભસીન તેના જન્મદિવસની ઉજવણી માટે દુબઈ ગઈ હતી, પરંતુ ત્યાં તેની તબિયત અચાનક લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. જાસ્મીનને 'ટર્મિનલ આઇલીટીસ' નામની આંતરડાની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને માહિતી આપતા જણાવ્યું હતું કે, દુબઈ પહોંચતાની સાથે જ અતિશય ઇન્ફેક્શન અને સોજાને કારણે તે બીમાર પડી ગઈ હતી. તેણે બર્થડે પર શુભેચ્છાઓ પાઠવનાર તમામ ચાહકોનો આભાર માન્યો હતો.
આ કપરા સમયમાં તેના પાર્ટનર અને અભિનેતા અલી ગોનીએ પણ એક ભાવુક પોસ્ટ શેર કરીને જાસ્મીનની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, અલીએ ચાહકોને રાહત આપતા એમ પણ જણાવ્યું છે કે, જાસ્મીન હવે ધીમે-ધીમે રિકવર થઈ રહી છે. તબીબી ભાષામાં 'ટર્મિનલ આઇલીટીસ' એ નાના આંતરડાના સૌથી છેલ્લા ભાગમાં થતો સોજો છે. ડોક્ટર્સના મતે, આ કોઈ સ્વતંત્ર રોગ નથી પરંતુ આંતરડામાં અન્ય મોટી સમસ્યાઓ હોવાનો સ્પષ્ટ સંકેત છે, જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે દવાઓની આડઅસરને કારણે થઈ શકે છે.
આ બીમારીના લક્ષણોમાં પેટના જમણા ભાગમાં અસહ્ય દુખાવો, ઝાડા, તાવ અને અચાનક વજન ઘટવાનો સમાવેશ થાય છે. આ રોગના સચોટ નિદાન માટે સીટી સ્કેન કે કોલોનોસ્કોપી જેવી ટેસ્ટ કરવામાં આવે છે. જો સમસ્યા સામાન્ય ઇન્ફેક્શનને કારણે હોય તો એન્ટિબાયોટિક્સથી મટી જાય છે, પરંતુ જો સ્થિતિ ગંભીર હોય તો સ્ટેરોઇડ્સ અથવા ક્યારેક સર્જરીની પણ જરૂર પડી શકે છે.
પેટના દુખાવાને અવગણવો પડી શકે છે ભારે
જાસ્મીન ભસીનના કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે કે પેટના સામાન્ય દુખાવા કે પાચનની સમસ્યાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં. અચાનક થતો દુખાવો, પેટ ફૂલવું કે સતત ઝાડા થવા એ આંતરડાની ગંભીર બીમારીના લક્ષણો હોઈ શકે છે. શરીરમાં થતા આવા ફેરફારોને અવગણવાને બદલે તાત્કાલિક નિષ્ણાત તબીબનો સંપર્ક કરી યોગ્ય નિદાન અને સારવાર કરાવવી હિતાવહ છે, જેથી મોટી બીમારીથી બચી શકાય.