Loading Please Wait !!!
ગરમીના તાપમાં મસાલાના ભાવમાં ટાઢક: મરચાંના ભાવમાં પ્રતિ મણે ₹2000નો ઘટાડો

  • રાજકોટમાં સીઝન ખીલતા મરચું, હળદર અને ધાણાજીરું સસ્તું થયું; ગૃહિણીઓને મળી રાહત.

 

  • આકરા તાપને લીધે બપોરે ગ્રાહકોની પાંખી હાજરી; મસાલાની સાથે ઘઉંની ખરીદીમાં તેજી.

  •  નાનામવા મસાલા માર્કેટમાં 12 માસના મસાલાની ધૂમ ખરીદી; કાશ્મીરી મરચું હજુ પણ મોંઘું

    સિટી ન્યુઝ @ રાજકોટ

    રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના રહેવાસીઓ માટે રસોડાના બજેટને લઈને રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટના મસાલા બજારમાં સીઝનની શરૂઆતની સરખામણીએ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને મરચાંના ભાવમાં પ્રતિ 20 કિલોએ રૂ. 2000નો ઘટાડો થતા લોકો હવે બારમાસી મસાલાની ખરીદી કરવા ઉમટી રહ્યા છે. માર્ચ મહિનામાં જે મરચાંનો ભાવ રૂ. 6500 થી રૂ. 7000 હતો, તે હાલ ઘટીને રૂ. 4500 થી રૂ. 5000 ની સપાટીએ પહોંચ્યો છે.

    રાજકોટના નાનામવા ચોકડી પાસે આવેલ મસાલા માર્કેટના વેપારી જીતુભાઈ વિકાણીના જણાવ્યા અનુસાર, અહીં છેલ્લા 18 વર્ષથી મસાલાનું વેચાણ કરવામાં આવે છે. હાલ બજારમાં ગોંડલિયું મરચું રૂ. 250 થી રૂ. 300, રેશમ પટ્ટો રૂ. 200 થી રૂ. 300 અને સૌથી મોંઘું ગણાતું ડબ્બી કાશ્મીરી મરચું રૂ. 500 થી રૂ. 1000 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. જોકે, આકરા તાપને કારણે બપોરના સમયે ગ્રાહકોની સંખ્યા ઓછી રહે છે, પરંતુ સાંજ પડતા જ ખરીદીમાં તેજી જોવા મળે છે.

    મસાલાની સાથે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં લોકવન ઘઉં રૂ. 500 થી રૂ. 550, ટુકડા ઘઉં રૂ. 550 થી રૂ. 650 અને બંસી ઘઉં રૂ. 500 થી રૂ. 600 ના ભાવે વેચાઈ રહ્યા છે. આ વર્ષે બજારમાં નવું આકર્ષણ 'વેક્યુમ પેક ઘઉં' છે, જેની કિંમત રૂ. 600 થી રૂ. 700 પ્રતિ કિલો છે. વેપારીઓનો દાવો છે કે આ વેક્યુમ પેક ઘઉં 12 માસ સુધી બગડતા નથી, જે ગૃહિણીઓ માટે સંગ્રહ કરવાની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે.

    ગ્રાહક ક્રિષ્નાબેન જણાવે છે કે તેઓ છેલ્લા 18 વર્ષથી અને તેમના સાસુ તેના પણ પહેલાના સમયથી આ માર્કેટમાંથી જ મસાલાની ખરીદી કરે છે. ભાવમાં વધઘટ થતી રહેતી હોવા છતાં, શુદ્ધતા અને ગુણવત્તાને કારણે ગૃહિણીઓ અહીંથી જ આખા વર્ષના મરચું, હળદર અને ધાણાજીરું જેવા મસાલાની ખરીદી કરવાનું પસંદ કરે છે. હાલ હળદર રૂ. 180 થી રૂ. 250 અને ધાણાજીરું રૂ. 230 થી રૂ. 260 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.

    સમગ્રપણે જોતા, આ વર્ષે મસાલાની ગુણવત્તા સારી હોવા છતાં ભાવમાં થયેલો ઘટાડો મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વેપારીઓને આશા છે કે આગામી દિવસોમાં જો ગરમીનું જોર ઘટશે તો ગ્રાહકોની ભીડમાં હજુ પણ વધારો થશે. રાજકોટના મસાલા બજારમાં હાલ જે પ્રકારે ભાવમાં ઘટાડો થયો છે તે જોતા લોકો મોટી માત્રામાં સ્ટોક કરી રહ્યા છે.