Loading Please Wait !!!
મમતા બેનર્જીના ‘વકીલ’ અવતાર પર સંકટ, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ

  • મુખ્યમંત્રી પદ દરમિયાન પ્રેક્ટિસ સ્થગિત કરી હતી કે નહીં? BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે માંગ્યો જવાબ
  • 2011 થી 2026 સુધીના રેકોર્ડ્સ તપાસવામાં આવશે; બે દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા આદેશ
  • પૂર્વ મુખ્યમંત્રીએ વકીલાત શરૂ કરવા માટે સત્તાવાર અરજી કરી છે? સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ પર ઉઠ્યા સવાલ

સિટી ન્યુઝ @ કોલકાતા

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી માટે નવી મુશ્કેલી ઉભી થતી જણાય છે. હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં તેમની હાજરી બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. જો મમતા બેનર્જી બાર કાઉન્સિલના નિયમોના પાલન અંગે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

વિવાદનું મુખ્ય કારણ મમતા બેનર્જીનું વકીલાતનું રજીસ્ટ્રેશન અને તેમની રાજકીય કારકિર્દી વચ્ચેની સમયરેખા છે. મમતા બેનર્જીએ 1980 ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી સક્રિય રાજકારણમાં રહ્યા અને 2011 થી 2026 સુધી સતત ત્રણ ટર્મ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. એડવોકેટ્સ એક્ટ મુજબ, જ્યારે કોઈ વકીલ 'ઓફિસ ઓફ પ્રોફિટ' અથવા કોઈ જાહેર હોદ્દો સંભાળે છે, ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત (Suspend) કરવાની જાણકારી સંબંધિત બાર કાઉન્સિલને આપવી અનિવાર્ય હોય છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ આ મામલે પશ્ચિમ બંગાળ સ્ટેટ બાર કાઉન્સિલ પાસે આગામી બે દિવસમાં તમામ રેકોર્ડ્સ માંગ્યા છે. BCI એ પૂછ્યું છે કે, શું મમતા બેનર્જીએ 2011 માં મુખ્યમંત્રી બનતા પહેલા તેમની પ્રેક્ટિસ સ્થગિત કરી હતી? અને શું 2026 માં પદ છોડ્યા બાદ તેમણે ફરીથી વકીલાત શરૂ કરવા માટે જરૂરી બહાલી (Resumption) ની અરજી કરી છે? કોઈપણ વકીલ પાસે કાયદેસર રીતે વકીલાત કરવા માટે માન્ય 'સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ' હોવું જરૂરી છે.

BCI દ્વારા પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મમતા બેનર્જીના નામાંકન રજિસ્ટર, સસ્પેન્શન રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોની પ્રમાણિત નકલો મોકલવા સૂચના અપાઈ છે. BCI એ સ્પષ્ટ કર્યું છે કે વકીલાતનો વ્યવસાય અત્યંત ગરિમાપૂર્ણ છે અને તેના વ્યાવસાયિક ધોરણો જાળવવા માટે આ તપાસ જરૂરી છે. પ્રોટોકોલ મુજબ, કોઈપણ વ્યક્તિ એક જ સમયે રાજકીય હોદ્દો અને કાયદાકીય પ્રેક્ટિસ બંને કરી શકતી નથી.

જો તપાસના અંતે એવું જાણવા મળશે કે મમતા બેનર્જીએ જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ કોર્ટમાં વકીલ તરીકે હાજરી આપી છે, તો તે ગેરરીતિ ગણાશે અને તેમની પ્રેક્ટિસ કરવાના અધિકાર પર કાયમી રોક લાગી શકે છે અથવા દંડ થઈ શકે છે. હાલમાં આ મામલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને સૌની નજર બાર કાઉન્સિલના આગામી નિર્ણય પર ટકી છે.