Loading Please Wait !!!
૧ મેથી બદલાઈ જશે તમારા ખિસ્સાના નિયમો: LPG સિલિન્ડર, ક્રેડિટ કાર્ડ અને ગેમિંગ કાયદામાં મોટા ફેરફાર

  • રસોડાના બજેટથી લઈને ઓનલાઇન ગેમ્સ સુધીની પાંચ મોટી બાબતો પર સરકારની ‘સર્જિકલ સ્ટ્રાઈક’; જાણો તમારા પર શું થશે અસર
  •  BPCL કાર્ડ પર ફ્રી એન્યુઅલ ફી માટે હવે ખર્ચવો પડશે ૧ લાખનો આંકડો- લેટ પેમેન્ટ ચાર્જમાં પણ કરાયો ધરખમ વધારો
  • ATF અને CNG-PNG ના ભાવોમાં પણ સુધારાની શક્યતા- વિમાન મુસાફરીથી લઈને રસોઈ ગેસ સુધીના સમીકરણો બદલાશે

નવી દિલ્હી : એપ્રિલ મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે ૧ મે, ૨૦૨૬થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને તેના ખિસ્સા સુધી જોવા મળશે. દર મહિનાની પહેલી તારીખની જેમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ૧ મેના રોજ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. એપ્રિલમાં થયેલા વધારા બાદ હવે ગ્રાહકોને ભાવમાં રાહત મળે છે કે મોંઘવારીનો વધુ એક ડામ લાગે છે તેના પર સૌની નજર છે. આ ઉપરાંત, કંપનીઓ હવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP આધારિત ડિલિવરી સિસ્ટમને કાયમી ધોરણે લાગુ કરી રહી છે.

બેન્કિંગ ક્ષેત્રની વાત કરીએ તો, એસબીઆઈ (SBI) કાર્ડ યુઝર્સ માટે મુશ્કેલી વધી શકે છે. ૧ મેથી લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમોમાં મોટો બદલાવ કરાયો છે. હવે ₹૧૦૦ થી ₹૫૦૦ સુધીની બાકી રકમ માટે ₹૧૦૦ અને તેનાથી વધુ રકમ માટે ₹૫૦૦ સુધીનો લેટ પેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે. સાથોસાથ BPCL SBI ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી માફી માટેની ખર્ચ મર્યાદા ₹૫૦,૦૦૦ થી વધારીને ₹૧ લાખ કરી દેવામાં આવી છે, જેનો અર્થ છે કે હવે ગ્રાહકોએ ફી માફી માટે બમણો ખર્ચ કરવો પડશે.

સરકાર હવે ડિજિટલ મનોરંજન પર પણ અંકુશ લાવી રહી છે. ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે 'ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા' (OGAI) નું ગઠન કરવામાં આવી રહ્યું છે. નવા નિયમો હેઠળ ઓનલાઇન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઇ-સ્પોર્ટ્સમાં વહેંચવામાં આવશે. ખાસ કરીને પૈસા સાથે સંકળાયેલી ગેમ રમતા પ્લેટફોર્મ્સ માટે રજીસ્ટ્રેશન હવે ફરજિયાત બનશે, જેથી યુઝર્સના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા રહે અને છેતરપિંડીના કિસ્સાઓ અટકાવી શકાય.

બીજી તરફ, વાહનચાલકો અને વિમાન મુસાફરો માટે પણ ૧ મે મહત્વની તારીખ છે. એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના નવા ભાવોની સાથે જ સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના દરોમાં પણ સુધારો થવાની શક્યતા છે. જો ATF ના ભાવમાં વધારો થશે તો એર ટિકિટ મોંઘી થઈ શકે છે. સાથોસાથ પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોના માસિક બિલ પર પણ તેની સીધી અસર પડશે.

અંતે, બેન્ક ગ્રાહકો માટે e-KYC અપડેટ કરવાની છેલ્લી તક પણ ૧ મે સુધીની જ છે. જો કોઈ ગ્રાહકનું KYC અધૂરું હશે તો બેન્ક તેના ટ્રાન્ઝેક્શન અટકાવી શકે છે અથવા ખાતું ફ્રીઝ કરી શકે છે. ગ્રાહકોએ આ મુશ્કેલીથી બચવા માટે તાત્કાલિક નેટ બેન્કિંગ કે બેન્ક શાખાનો સંપર્ક કરવો જરૂરી છે. આમ, મે મહિનાની શરૂઆત દેશના કરોડો લોકો માટે આર્થિક રીતે અત્યંત મહત્વની સાબિત થવાની છે.