Loading Please Wait !!!
શેરબજારમાં સોનાની એન્ટ્રી: NSE એ શરૂ કરી 'ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ' (EGR) ની સુવિધા

  • હવે શેરોની જેમ સોનાનું થશે ખરીદ-વેચાણ, ડીમેટ ખાતામાં સુરક્ષિત રહેશે તમારું ફિઝિકલ ગોલ્ડ
  • દેશભરમાં સોનાના ભાવ એકસમાન રાખવામાં EGR સિસ્ટમ મદદરૂપ થશે, ભરોસાપાત્ર કિંમતની ગેરંટી
  • બીએસઈ બાદ હવે એનએસઈ પર પણ સુવિધા શરૂ; ડિપોઝિટરી સિસ્ટમમાં સુરક્ષિત રખાશે ફિઝિકલ ગોલ્ડ

નવી દિલ્હી | સિટી ન્યૂઝ :  દેશના અગ્રણી શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરતા 'ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ' (EGR) ની શરૂઆત કરી દીધી છે. આ નવી સુવિધા દ્વારા હવે રોકાણકારો સોનામાં પણ શેરોની જેમ જ રોકાણ કરી શકશે અને તેનું ખરીદ-વેચાણ કરી શકશે. આ એક એવો વિકલ્પ છે જેમાં રોકાણકાર ભૌતિક સોનાને લાંબા ગાળા સુધી પોતાના ડીમેટ ખાતામાં ડિજિટલ સ્વરૂપે રાખી શકે છે.

અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી અને હવે NSE એ પણ તેને અપનાવી છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે સોનાના ખરીદ-વેચાણની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનશે અને કિંમતો નક્કી કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને ભરોસાપાત્ર બનશે. અત્યાર સુધી દેશમાં સોનું પરંપરાગત રીતે ભૌતિક રૂપે ખરીદવામાં આવતું હોવાથી અલગ-અલગ શહેરોમાં તેની કિંમતોમાં તફાવત રહેતો હતો, પરંતુ EGR સિસ્ટમ આ અંતર ઘટાડીને દેશભરમાં એકસમાન કિંમત નક્કી કરવામાં મદદરૂપ થશે.

શું છે આ ગોલ્ડ રસીદ? NSE ના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ એ હકીકતમાં ભૌતિક સોનાનું ડિજિટલ સ્વરૂપ છે. દરેક રસીદની સામે એટલી જ માત્રામાં અસલી સોનું ડિપોઝિટરી સિસ્ટમમાં સુરક્ષિત રાખવામાં આવે છે. રોકાણકારને ઈલેક્ટ્રોનિક રસીદ આપવામાં આવે છે જેમાં તમામ વિગતો નોંધાયેલી હોય છે. મહત્વની વાત એ છે કે, રોકાણકાર ઈચ્છે તો આ રસીદને બજારમાં વેચી શકે છે અથવા જરૂર પડ્યે તેને અસલી સોનામાં પણ રૂપાંતરિત કરી શકે છે.

ખરીદ-વેચાણની પ્રક્રિયા EGR નો કારોબાર સ્ટોક એક્સચેન્જો પર સામાન્ય શેરોની જેમ જ કરવામાં આવે છે. આ માટે રોકાણકાર પાસે ડીમેટ ખાતું હોવું અનિવાર્ય છે. એક્સચેન્જ પર સોનાની લાઈવ કિંમતો દેખાશે અને રોકાણકાર પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે લે-વેચ કરી શકશે. ખરીદેલું સોનું સીધું જ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે અને તેની ઈલેક્ટ્રોનિક રસીદ જારી કરવામાં આવશે.

હાલમાં NSE પર ગોલ્ડ ડેરિવેટિવ્ઝ અને ગોલ્ડ ETF નો કારોબાર પહેલેથી જ થઈ રહ્યો છે, ત્યારે EGR ના આગમનથી સોનામાં રોકાણ કરવા ઈચ્છતા નાના અને મોટા બંને પ્રકારના રોકાણકારોને વધુ એક સુરક્ષિત અને આધુનિક વિકલ્પ મળ્યો છે. આ સુવિધાથી સોનાના બજારમાં વધુ પારદર્શિતા આવવાની અને રોકાણના પ્રવાહમાં વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.