Loading Please Wait !!!
અબજો ડોલરના વિદેશી સંપાદનો કંપનીઓ માટે સફેદ હાથી સાબિત થયા: 10 માંથી 8 નિષ્ફળ

  • ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ જેવી દિગ્ગજ કંપનીઓ પણ રોકાણકારોને વળતર આપવામાં બજારથી પાછળ
  • વિદેશી કંપનીઓ ખરીદવાનો ક્રેઝ ભારે પડ્યો: ફક્ત એરટેલ અને હિન્દાલ્કોએ જ વટાવી નિફ્ટીની સપાટી
  • રિલાયન્સ, અદાણી અને ટાટાના મેગા એક્વિઝિશન ફ્લોપ? શેર બજારના પ્રદર્શનમાં નોંધપાત્ર પરાજય

અમદાવાદ | સિટી ન્યૂઝ : છેલ્લા બે દાયકામાં ભારતીય દિગ્ગજ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા મોટા વિદેશી સંપાદનો (Acquisitions) શેરધારકો માટે ખાસ ફાયદાકારક સાબિત થયા નથી. એક તાજેતરના અહેવાલ મુજબ, 10 માંથી 8 સૌથી મોટી હસ્તગત કરનારી કંપનીઓના શેરના ભાવ એક્વિઝિશન પછી વ્યાપક બજાર (નિફ્ટી-50) કરતા નોંધપાત્ર રીતે પાછળ રહી ગયા છે. અબજો ડોલર ખર્ચવા છતાં આ કંપનીઓ રોકાણકારોની સંપત્તિ વધારવામાં નિષ્ફળ રહી છે.

માત્ર બે કંપનીઓ જ રહી અગ્રેસર 10 સૌથી મોટી કંપનીઓમાંથી માત્ર હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જ બજાર કરતાં વધુ સારું વળતર આપવામાં સફળ રહી છે. હિન્દાલ્કોએ 2007 માં નોવેલિસને 5.7 બિલિયન ડોલરમાં ખરીદ્યા પછી તેના શેરમાં 583% નો વધારો થયો છે, જે નિફ્ટીના 474% કરતા વધુ છે. જ્યારે ભારતી એરટેલે 2010 માં ઝૈન ટેલિકોમના આફ્રિકન બિઝનેસને હસ્તગત કર્યા પછી 573% વળતર આપ્યું છે, જે નિફ્ટીના 359% કરતા ઘણું વધારે છે. જોકે, આ તેજી પાછળ વિદેશી સંપાદન કરતા સ્થાનિક બજારનું વર્ચસ્વ વધુ કારણભૂત હોવાનું મનાય છે.

દિગ્ગજોની નિષ્ફળતાની કહાણી ટાટા સ્ટીલે 2006 માં કોરસ ગ્રુપને 12.78 બિલિયન ડોલરમાં હસ્તગત કર્યું હતું, જે ભારતનું સૌથી મોટું વિદેશી સંપાદન હતું. 20 વર્ષ પછી પણ આ કંપનીએ માત્ર 397% વળતર આપ્યું છે, જે નિફ્ટીના 551% ની સામે ઘણું ઓછું છે. આવી જ સ્થિતિ ટાટા મોટર્સ, ઓએનજીસી અને યુપીએલ જેવી કંપનીઓની છે. ઓએનજીસીએ 2008 માં ઇમ્પીરીયલ એનર્જી માટે 2.6 બિલિયન ડોલર ખર્ચ્યા હતા, પરંતુ તેના શેરના ભાવમાં માત્ર 78% નો વધારો થયો છે, જ્યારે સમાન ગાળામાં નિફ્ટીમાં 458% નો ઉછાળો જોવા મળ્યો છે.

તાજેતરના સંપાદનોમાં પણ નિરાશા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વોલ્ટ ડિઝનીના ઇન્ડિયા બિઝનેસનું 8.5 બિલિયન ડોલરનું સંપાદન હોય કે અદાણી ગ્રીન એનર્જી અને કોફોર્જના મોટા એક્વિઝિશન - પરિણામો સમાન રીતે નબળા રહ્યા છે. બાયોકોન અને યુપીએલ પણ અબજો ડોલરના રોકાણ પછી બજારની તેજીનો લાભ શેરધારકો સુધી પહોંચાડી શકી નથી.

વિશ્લેષકોના મતે, આ નબળા વળતરનું મુખ્ય કારણ પ્રારંભિક મૂડી ખર્ચ અને હસ્તગત કરેલી મિલકતો દ્વારા થતી કમાણી વચ્ચેનું અસંતુલન છે. મોટાભાગના કિસ્સાઓમાં, કંપનીઓએ વિદેશી સંપત્તિઓ માટે જરૂર કરતા વધુ કિંમત ચૂકવી છે અથવા એક્વિઝિશન પછી નાણાકીય અવરોધો પેદા થયા છે, જેની સીધી અસર કંપનીના શેરના દેખાવ પર પડી છે.