Loading Please Wait !!!
ભારતીય કર્મચારીઓ માટે ખુશખબર: 9.1 ટકાના સરેરાશ પગાર વધારા સાથે ભારત વિશ્વમાં મોખરે

  • અમેરિકા અને ચીન કરતા બમણું ઇન્ક્રીમેન્ટ, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સૌથી વધુ ઉછાળો
  • જુનિયર લેવલના કર્મચારીઓને બખ્ખાં, ટોપ લેવલ કરતા જુનિયર્સને મળી રહ્યું છે વધુ હાઈક
  • રિયલ એસ્ટેટમાં 10.2 ટકા અને NBFC માં 10.1 ટકા વધારાનો અંદાજ, જાણો તમારા ક્ષેત્રની સ્થિતિ

જો તમને આ વર્ષે 9 ટકા કે તેથી વધુ ઇન્ક્રીમેન્ટ મળ્યું છે, તો તમે દેશના સરેરાશ પ્રદર્શનની હરોળમાં છો. દિગ્ગજ કન્સલ્ટિંગ ફર્મ 'એઓન' ના તાજેતરના પગાર વધારા અને ટર્નઓવર રિપોર્ટ અનુસાર, ભારત આ વર્ષે પણ મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી વધુ પગાર વધારો આપનારો દેશ બની રહ્યો છે. ભારતમાં સરેરાશ પગાર વધારો 9.1 ટકા જોવા મળ્યો છે, જે અમેરિકા (4.3 ટકા), ચીન (4.8 ટકા) અને બ્રિટન (4.1 ટકા) જેવા વિકસિત દેશોની સરખામણીમાં ઘણો વધારે છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં મોટાભાગની કોર્પોરેટ કંપનીઓનું એપ્રેઝલ સર્કલ એપ્રિલથી શરૂ થાય છે અને અત્યારે મે મહિનો ચાલતો હોવાથી ઘણા કર્મચારીઓને તેમના એપ્રેઝલ લેટર મળી ગયા છે. આ વર્ષે ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 10.2 ટકા તેમજ NBFC ક્ષેત્રે 10.1 ટકાનો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય ઓટોમોટિવ, એન્જિનિયરિંગ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં પણ સરેરાશ 9.4 ટકાથી 9.9 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પદના આધારે જોઈએ તો સીનિયર અધિકારીઓની સરખામણીમાં જુનિયર લેવલના કર્મચારીઓને વધુ લાભ મળી રહ્યો છે. જુનિયર લેવલ પર સરેરાશ 9.6 ટકા, મિડલ લેવલ પર 9.0 ટકા અને ટોપ લેવલ પર 8.5 ટકા વધારો જોવા મળ્યો છે. કંપનીઓ માટે જુનિયર કર્મચારીઓને જાળવી રાખવા વધુ સસ્તા પડે છે કારણ કે તેમને રિપ્લેસ કરવાનો ખર્ચ ઘણો વધારે હોય છે.

તમારા પગાર વધારાની ટકાવારી તમારી ભૂમિકા અને નોકરીની સુરક્ષા નક્કી કરે છે. જો તમારો વધારો 8 થી 10 ટકાની વચ્ચે હોય, તો તમારી નોકરી સુરક્ષિત માનવામાં આવે છે. જે કર્મચારીઓને 12 ટકાથી વધુ હાઈક મળી છે, તેઓ બજારમાં વધુ માંગ ધરાવતી ભૂમિકામાં હોવાનું સાબિત થાય છે. FMCG અને બેંકિંગ જેવા ક્ષેત્રોમાં પણ અનુક્રમે 9.1 ટકા અને 8.8 ટકાનો સરેરાશ વધારો જોવા મળ્યો છે.

ભારતની આ આર્થિક મજબૂતી 1,400 થી વધુ કંપનીઓના ડેટા પર આધારિત છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા હોવા છતાં, ભારતની કોર્પોરેટ જગતની આ તેજી દર્શાવે છે કે સ્થાનિક બજારમાં કુશળ કર્મચારીઓની માંગ અને અર્થતંત્રની ગતિ યથાવત છે. ટેક કન્સલ્ટિંગ ક્ષેત્રે પણ 8.6 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે દરેક ક્ષેત્રમાં સરેરાશ વધારો પોઝિટિવ રહ્યો છે.