મોરબી સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટમાં 70% ઘટાડો
-
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને વૈશ્વિક મંદી મુખ્ય કારણ
-
નેચરલ ગેસના ભાવ 90 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર પહોંચ્યા
-
કારખાનાઓના ગોડાઉન તૈયાર માલથી છલકાયા
સિટી ન્યુઝ @ મોરબી
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને વૈશ્વિક મંદીના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ગેસના ભાવમાં થયેલો બમણો વધારો અને કન્ટેનરના ભાડામાં ઉછાળાને કારણે નિકાસમાં 70% સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સ્થાનિક બજારમાં માંગ 25% ઘટી જતાં કારખાનેદારો માટે પ્લાન્ટ ચાલુ રાખવા મુશ્કેલ બન્યા છે. આ વૈશ્વિક અને સ્થાનિક પરિબળોએ સમગ્ર ઉદ્યોગને હચમચાવી દીધો છે.
યુદ્ધના કારણે ગેસ પુરવઠો અને ભાવ ભારે અસરગ્રસ્ત થયા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં જ ગેસની અછત સર્જાઈ હતી, જેના કારણે બે મહિના સુધી ફેક્ટરીઓ બંધ રાખવી પડી હતી. ત્યારબાદ ગેસ પુરવઠો શરૂ થયો પરંતુ તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ વધી ગયેલા ઉત્પાદન ખર્ચ વચ્ચે બજારમાં ટકી રહેવું ઉદ્યોગકારો માટે મોટો પડકાર બની ગયું છે.
મોરબી સિરામિક એસોસિએશનના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં નેચરલ ગેસ 42 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર અને પ્રોપેન ગેસ 56 રૂપિયા હતો, જે આજે વધીને નેચરલ ગેસ 90 રૂપિયા અને પ્રોપેન ગેસ 98 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર પહોંચી ગયો છે. આમ ગેસના ભાવ લગભગ બમણા થઈ જતાં ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થયો છે અને લઘુ તથા મધ્યમ એકમોને વ્યાપારી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મોંઘા ભાડા ચૂકવવા છતાં નિકાસ માટે સમયસર કન્ટેનર મળતા નથી, જેનાથી ઇન્ટરનેશનલ માર્કેટ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉના વર્ષના પ્રથમ ત્રિમાસિકના 616 યુએસ બિલિયન એક્સપોર્ટ સામે ચાલુ વર્ષે માત્ર 186 યુએસ બિલિયનનું જ એક્સપોર્ટ થઈ શક્યું છે. લોજિસ્ટિક્સ પડકારો અને શિપિંગ સમસ્યાઓએ નિકાસકારોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કર્યો છે.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ ઘટતા કારખાનાઓના ગોડાઉન તૈયાર માલથી ભરાઈ ગયા છે. આ સંજોગોમાં ઓવર પ્રોડક્શન રોકવા ઘણા ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. જો સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં વધુ એકમો બંધ થાય તેવી શક્યતા છે, જેનાથી હજારો કામગારોની રોજગારી સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ પર મંદી અને મોંઘવારીનું ગ્રહણ
ગેસના તોતિંગ ભાવવધારા, કન્ટેનરની અછત અને વૈશ્વિક યુદ્ધના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે, જેના કારણે નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે અને સ્થાનિક સ્તરે પણ ઉત્પાદન બંધ કરવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.