બિલ્ડર સમયસર ફ્લેટની ડિલિવરી ન આપે તો ખરીદનાર વળતરનો દાવો કરી શકે
સુપ્રિમકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
ફ્લેટના માલિકના અધિકારોના મુદ્દે સુપ્રિમ કોર્ટે એક અસાધારણ ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે ફ્લેટનો કબજો લીધા બાદ પણ ફ્લેટ ખરીદનારો મોડી ડિલિવરી માટે વળતરનો દાવો કરી શકે છે. સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું હતું કે ફ્લેટનો કબજો સ્વીકારવાથી વિલંબથી ઉદ્ભવતા દાવાઓ આપમેળે સમાપ્ત થતા નથી. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને એક અરજી ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદી જ્યારે ફ્લેટનો કબજો મેળવી લે છે પછી તે ગ્રાહક રહેતો નથી.
ફ્લેટધારક કબજા પછી પણ ફ્લેટની વિલંબિત ડિલિવરી માટે વળતર માંગી શકે છે. બેંચે નોંધ્યું હતું કે શું ખરેખર વિલંબ થયો હતો, એના માટે કોણ જવાબદાર હતું અને વળતરની ખાતરી છે કે કેમ એ મુદ્દાઓ પર યોગ્યતાના આધારે નિર્ણય લેવાની જરૂર છે.
આ ચૂકાદો ટી.કે.એ. પદ્મનાભન વિરુદ્ધ અભિયાન કો-ઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડના કેસમાં આવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનની બનેલી બેંચે NCDRCના આદેશને પડકારતી અપીલની તપાસ કરી હતી અને પછી રિવિઝન અરજી ફગાવી દીધી હતી. NCDRCએ ચૂકાદો આપ્યો હતો કે ફ્લેટધારકે પહેલાં જ ફ્લેટનો કબજો લઈ લીધો હોવાથી હવે તે ગ્રાહક તરીકે લાયક નથી. સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું કે ફરિયાદનો હેતુ મિલકતનો કબજો મેળવવાનો નહોતો, પરંતુ એ સમયગાળા માટે વળતર મેળવવાનો હતો જે દરમિયાન કબજો લેવામાં વિલંબ થયો હતો. કોર્ટે કહ્યું કે આવા દાવાઓ કબજો મળ્યા પછી પણ ટકી રહે છે.