53 દિવસના લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર વાપસી
- અલનીનોની અસર ખતમ થતાં મુંબઈમાં જળબંબાકાર, મહારાષ્ટ્ર અને બિહારમાં વરસાદ
- બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી નૈઋત્ય ચોમાસું ફરી સક્રિય, લોકોને ગરમીથી રાહત
- હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં વરસાદ પકડશે જોરદાર રફતાર
સિટી ન્યુઝ @ મુંબઈ
અલનીનોના પ્રભાવ હેઠળ છેલ્લા 53 દિવસથી સ્થગિત થયેલું નૈઋત્ય ચોમાસું આખરે ફરી એક્ટિવ થઈ ગયું છે. 8 જૂનથી અટકેલા ચોમાસાએ બિહાર અને મહારાષ્ટ્રમાં બ્રેક ખતમ થતાં જ ફરી રફતાર પકડી લીધી છે. લાંબા સમયથી વરસાદમાં વિલંબને કારણે ભીષણ ગરમીનો સામનો કરી રહેલા મુંબઈગરાઓને મોટી રાહત મળી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અંધેરી સબવે સહિતના અનેક માર્ગો અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું સક્રિય થયું છે પરંતુ તેની ગતિ હજુ થોડી ધીમી છે. જોકે, આગામી બે દિવસમાં તે જોરદાર રફતાર પકડી લે તેવી પૂરી સંભાવના છે. મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પુણે અને તેની આસપાસના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે કોલ્હાપુર, સાંગલી, સતારા અને સોલાપુરમાં વ્યાપક વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાનુકૂળ પરિબળો સર્જાવાને પગલે ચોમાસું હવે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગાણાના વધુ જિલ્લાઓમાં આગળ વધશે. પાટનગર દિલ્હીમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું પહોંચી શકે છે. બીજી તરફ, દેશના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં તેજ પવન સાથે જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે, જેથી ત્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે રાજસ્થાનના બરન જિલ્લામાં 2.5 ઇંચ અને ઝુંઝુનુમાં 1.5 ઇંચ જેટલો વરસાદ આંધી સાથે ખાબક્યો હતો.
ગ્લોબલ વોર્મિંગ અને બદલાતું ઋતુચક્ર છેલ્લા કેટલાક વર્ષોથી અલનીનો અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ભારતના ઋતુચક્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ચોમાસામાં લાંબો વિરામ અને ત્યારબાદ અચાનક ભારે વરસાદ પડવો તે ક્લાઈમેટ ચેન્જની ગંભીર ચેતવણી આપે છે. પર્યાવરણના આ અસામાન્ય બદલાવને કારણે ખેતી અને અર્થતંત્ર પર પણ વ્યાપક વિપરીત અસરો પડી રહી છે, જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.