સત્તા V/S વિરોધ : મહારાષ્ટ્રમાં રાજકીય યુદ્ધ તેજ !
રાજ ઠાકરેનો મોટો આરોપ
'ઓપરેશન ટાઈગર' પાછળ અમિત શાહનો PM પ્લાન
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
શનિવારે મુંબઈમાં રંગશારદા સભાગૃહમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ સભા યોજીને કાર્યકરોને સંબોધિત કર્યા એ દરમિયાન તેમણે 'ઓપરેશન ટાઈગર' મુદ્દે બોલતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને નિશાને લીધી હતી અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.
અમિત શાહ ૨૦૨૯માં વડા પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહીને તેમણે BJPના કેન્દ્રીય નેતૃત્વમાં ફૂટ હોવાનો અને રાજકારણ ચાલતું હોવાનો દાવો પણ કર્યો હતો. કાર્યકરોને સંબોધતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'શિવસેના (UBT)ના છ સંસદસભ્યો એકનાથ શિંદે શિવસેનામાં કેમ ગયા? તે બધા BJPમાં કેમ ન ગયા? આ બધી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી બાદ પોતે વડા પ્રધાન બનવાની અમિત શાહની તૈયારી છે.' રાજ ઠાકરેએ BJPની ટીકા કરતાં કહ્યું હતું કે 'એક તો ભારત અને મહારાષ્ટ્રમાં દુકાળની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે એવામાં અહીં શું ચાલે છે? સંસદસભ્યોને, નગરસેવકોને, વિધાનસભ્યોને ફોડીને તેમને પોતાના તરફ લાવવા.
આ તો આપણા રાજકીય નેતાઓએ વિચારવું જોઈએ કે શું ચાલી રહ્યું છે. બોગસ મતદારો અને ખાસ કરીને ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવેલાઓને મતદારયાદીમાંથી કાઢવા માટેની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા વિશે રાજ ઠાકરેએ BJP પર નિશાન સાધ્યું હતું અને મતદારયાદીમાં ફેરફાર કરીને સત્તા મેળવવી હોવાનો ટોણો માર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'પશ્ચિમ બંગાળમાં શું થયું એ આપણે બધા જ જાણીએ છીએ એટલે એના વિશે દુર્લક્ષ ન સેવવું જોઈએ. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી મતદારયાદી પ્રક્રિયા વખતે આંખમાં તેલ રેડીને પણ બરાબર ધ્યાન આપજો. નહીંતર BJP મતદારયાદીમાંથી નામ ગાયબ કરી દેશે અને ખબર પણ નહીં પડે. પછી ચૂંટણી લડવાનો કોઈ અર્થ જ નહીં રહે.'
શિવસેના સંજય રાઉતે કહ્યું
એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટ ટ્યુબ બેબી છે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની કોલ્હાપુરની મુલાકાત દરમિયાન જાહેરમાં કહ્યું હતું કે હવે એક જ શિવસેના રહી છે અને એકનાથ શિંદે એના અધ્યક્ષ છે એ વાતને લઈને શિવસેના (UBT)માં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શિવસેના (UBT)ના રાજ્યસભા સભ્ય અને નેતા સંજય રાઉતે કહ્યું હતું કે 'આ હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના-પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું અપમાન છે. અમિત શાહ વારંવાર મહારાષ્ટ્ર અને શિવસેના-પ્રમુખનું અપમાન કરતા હોય છે. મૂળમાં શિવસેના એક જ છે અને એ બાળાસાહેબ ઠાકરેની અને ઉદ્ધવ ઠાકરેની છે. જે રીતે અત્યંત દ્વેષબુદ્ધિ, વેર રાખીને અમિત શાહે શિંદે (એકનાથ શિંદે)નો ઉલ્લેખ શિવસેના-પ્રમુખ તરીકે કર્યો છે તેઓ તેમના મનમાં રહેલો મહારાષ્ટ્ર, શિવસેના-પ્રમુખ અને મરાઠી માણસ પ્રત્યેનો દ્વેષ છે. એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટટ્યુબ બેબી છે અને એને ૪ વર્ષ થયાં છે. અમિત શાહે તેમને તૈયાર કર્યા છે. તમે જેટલા દ્વેષથી શિવસેના-પ્રમુખનું અપમાન કરશો એટલા જ દ્વેષથી મહારાષ્ટ્રની જનતા તમારી સામે ઊભી રહેશે.'
આ શું સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે? એવો સવાલ ફરીને સંજય રાઉતે કહ્યું હતું કે 'શિવસેના કોની એ નિર્ણય હજુ સુધી સુપ્રિમ કોર્ટ ૪ વર્ષમાં આપી શકી નથી. સુપ્રિમ કોર્ટ તે તેમના દબાણને કારણે. સુપ્રિમ કોર્ટ આપતી નથી. તમે જ્યારે સુપ્રિમ કોર્ટનો અધિકાર લો છો કે શિવસેના કોની છે એ બાબત જ સ્પષ્ટ કરે છે કે અમિત શાહના દબાણને કારણે જ સુપ્રિમ કોર્ટ નિર્ણય નથી આપી રહી. અમિત શાહના દબાણને કારણે જ ઇલેક્શન કમિશને શિવસેના પક્ષ અને એનું ચિહન શિંદે જૂથને આપ્યું. વળી અમિત શાહના દબાણ અને દબાણને કારણે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને કારણે શિવસેના ફોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈ કાલે તેમણે જે કહ્યું એ તેમના પેટમાં ઝેર હતું એ હોઠ પર આવી ગયું હતું.'