જ્યોતિર્મયી નાયક બની 'ઇન્ડિયન આઈડલ-૧૬' ની વિજેતા: ઝળહળતી ટ્રોફી સાથે મળ્યો રૂા. ૨૦ લાખનો ચેક!
-
સોની ટીવીના ચર્ચિત રિયાલિટી શો 'ઇન્ડિયન આઈડલ-૧૬' નો શાનદાર ફિનાલે એપિસોડ ગઈકાલે રાત્રે ટેલિકાસ્ટ થયો.
-
ફાઇનલ રેસમાં મનરાજ વીરસિંહ, જ્યોતિર્મયી નાયક અને તનિષ્ક શુકલા ટોપ-૩ માં સામેલ રહ્યા હતા.
-
જજીસ બાદશાહ, વિશાલ ડડલાણી, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલની ઉપસ્થિતિએ શોની શોભા વધારી.
સિટી ન્યુઝ @ મુંબઈ
સોની ટીવીનો ચર્ચિત રિયાલિટી શો 'ઇન્ડિયન આઈડલ-૧૬' નો ફિનાલે એપિસોડ ગઈકાલે રાત્રે ટેલિકાસ્ટ થયો હતો, જેમાં ઓરિસ્સાની જ્યોતિર્મયી નાયકે શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન આઈડલ-૧૬ ની ટ્રોફી પોતાના નામે કરી હતી. વિજેતા બનવા બદલ તેમને ઝળહળતી ટ્રોફી સાથે રૂા. ૨૦ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ ફાઇનલ મુકાબલામાં મનરાજ વીરસિંહ, જ્યોતિર્મયી નાયક અને તનિષ્ક શુકલા શોના ટોપ-૩ માં સામેલ થયા હતા.
શોના આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં જજીસ તરીકે બાદશાહ, વિશાલ ડડલાણી, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શહનાઝ ગિલ પણ સ્પેશિયલ મહેમાન તરીકે પહોંચી હતી. ઓરિસ્સાની જ્યોતિર્મયી ટોપ પર રહી હતી, જ્યારે મનરાજ વીરસિંહ સેકન્ડ રનર અપ રહ્યા હતા, જેને ચેનલ તરફથી રૂા. ૫ લાખ રોકડા મળ્યા હતા. ત્રીજા સ્થાને રહેલા તનિષ્ક શુકલાએ ફિનાલેમાં 'તુ ઈસ તરહ મેરી જિંદગી મેં શામિલ હૈ' ગીત ગાયું હતું, જ્યારે જ્યોતિર્મયીએ 'સઈયા પકડ બઈયા' ગીત રજૂ કર્યું હતું.
સ્પેશિયલ ગેસ્ટ તરીકે ફિનાલેમાં પહોંચેલી પ્રખ્યાત ગાયિકા ઉષા ઉથુપે પોતાના અંદાજથી માહોલ સેટ કર્યો હતો. આ ઉપરાંત, પીઢ ગાયક કુમાર સાનુએ પણ માઈક સંભાળીને દર્શકોને ૯૦ ના દાયકાની સુરિલી સફર કરાવી હતી. આ સંગીતમય અને રંગારંગ કાર્યક્રમ સાથે શોની આ સિઝનનો ભવ્ય અંત આવ્યો છે.
સંગીત અને પ્રતિભાનો અદભુત સંગમ
ઇન્ડિયન આઈડલ જેવા લોકપ્રિય મંચો દેશના યુવા કલાકારોને પોતાની ગાયકી પ્રદર્શિત કરવા માટે ઉત્તમ તક પૂરી પાડે છે અને સંગીત પ્રેમીઓ માટે આ ક્ષણો હંમેશા યાદગાર બની રહે છે.