Loading Please Wait !!!
મોરબી મેયરની પસંદગીમાં ભાજપમાં ભડકો: પેનલના ક્રમ બદલાતા ગાંધીનગરમાં હોબાળો

  • કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે ઉગ્ર બોલાચાલીની ચર્ચા; નિર્ણય હવે પાર્લામેન્ટરી બોર્ડ હસ્તક
  • જિલ્લા ભાજપે નક્કી કરેલી યાદીમાં છેલ્લી ઘડીએ ફેરફાર થતા વિવાદ; સિનિયર નેતાઓ સામસામે આવ્યા
  • ભાવેશ કંઝારીયાનું નામ પાછળ ધકેલાતા કાર્યકરોમાં ગણગણાટ; ગણેશ ડાભી અને ભુપત જારીયા રેસમાં

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ૫૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપમાં હવે મેયર પદની પસંદગીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મોરબીના પ્રથમ મેયર તરીકે કોની તાજપોશી કરવી તે મુદ્દે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પક્ષના દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારે હોબાળો થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. ખાસ કરીને જિલ્લા કક્ષાએ નક્કી થયેલી પેનલના નામોના ક્રમમાં ગાંધીનગર સ્તરે ફેરફાર થતા વિવાદ ઉભો થયો છે.

મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ OBC (અન્ય પછાત વર્ગ) માટે અનામત જાહેર કરવામાં આવી છે. આ બેઠક માટે મોરબી જિલ્લા ભાજપ સંકલન સમિતિ દ્વારા અગાઉ એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભાવેશભાઈ કંઝારીયાનું નામ પ્રથમ ક્રમે, ભુપતભાઈ જારીયાનું નામ બીજા ક્રમે અને ગણેશભાઈ ડાભીનું નામ ત્રીજા ક્રમે રાખવામાં આવ્યું હતું. જોકે, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જે યાદી રજૂ થઈ તેમાં આ ક્રમ ઉલટાવી દેવામાં આવતા સ્થાનિક નેતાઓ ચોંકી ઉઠ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી યાદીમાં ગણેશભાઈ ડાભીનું નામ પ્રથમ ક્રમે મૂકવામાં આવ્યું હતું. આ ફેરફાર સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની જાણ બહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતા બેઠકમાં ગરમાગરમી જોવા મળી હતી. ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા વચ્ચે સિનિયર આગેવાનોની હાજરીમાં જ તીખી બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ આંતરિક ખેંચતાણને કારણે મોરબી ભાજપમાં જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. સંકલનના અભાવ અને નેતાઓ વચ્ચેના મતભેદોને જોતા હવે મેયર પદનો આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડના શિરે છોડી દેવામાં આવ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ માળખામાં આ પ્રકારનો હોબાળો થવો તે આગામી દિવસોમાં સંગઠન માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

હાલમાં મોરબીના રાજકારણમાં ગણેશભાઈ ડાભી, ભુપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયા આ ત્રણેય નામોની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આગામી ૨૪ કલાકમાં સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે કોના નામ પર મહોર વાગે છે તેના પર શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને રાજકીય વિશ્લેષકોની નજર ટકી છે.