Loading Please Wait !!!
સામાન્ય ચેપ બની શકે છે કેન્સરનું કારણ

 

  • ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ દ્વારા સ્ટડી કરાઈ

  • વર્ષ બાવીસ સો ચાવીસમાં લાખો કેસો નોંધાયા

  • હેલિકોબેક્ટર પાઈલોરી અને એચપીવી સૌથી ખતરનાક

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા કરવામાં આવેલા એક નવા અને ચોંકાવનારા સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે વિશ્વભરમાં કેન્સરના દર 8માંથી 1 કેસનું મુખ્ય કારણ કોઈને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન (ચેપ) હોઈ શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ભલે લોકો રસી કે વેક્સિનેશન અપાવતા હોય છતાં આ જોખમ યથાવત રહે છે. વર્ષ 2024માં વૈશ્વિક સ્તરે કેન્સરના 19.2 મિલિયન નવા કેસો સામે આવ્યા હતા, જેમાંથી 2.3 મિલિયન કેસો સીધા જ ઇન્ફેક્શન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કેન્સરના આ તમામ ઇન્ફેક્શન આધારિત કેસો માત્ર 5 પ્રકારના ખાસ ઇન્ફેક્શન સાથે જ સંબંધિત હતા. આ પાંચ પ્રકારના જોખમી ઇન્ફેક્શનમાં હેલિકોબેક્ટર પાઇલોરી (H. pylori), એચપીવી (HPV), હેપેટાઇટિસ B અને C, તેમજ એપ્સટીન-બાર વાયરસ (EBV) નો સમાવેશ થાય છે. આ બેક્ટેરિયા અને વાયરસ દૂષિત ખોરાક, પાણી કે અન્ય માધ્યમો દ્વારા શરીરમાં પ્રવેશ કરીને ગંભીર બીમારીઓને નોતરે છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024માં માત્ર વેસ્ટર્ન યુરોપમાં જ HPV ના કારણે કેન્સરના 24,000 કેસો સામે આવ્યા હતા, જે ત્વચા અને શરીરના અંદરના સ્તરને સંક્રમિત કરે છે. આ ઉપરાંત હેલિકોબેક્ટર પાઇલોરી જેવા બેક્ટેરિયા લગભગ 7.6 લાખ પેટના કેન્સરના કેસો માટે જવાબદાર રહ્યા હતા. જો સમયસર આ બેક્ટેરિયા સામે રસી કે યોગ્ય ઉપચાર વિકસાવવામાં ન આવે તો મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

ઇન્ફેક્શનથી થતા કેન્સર પાછળ હેપેટાઇટિસ B અને C પણ બીજા મોટા કારણો તરીકે સામે આવ્યા છે, જે મળીને કેન્સરના લગભગ એક-તૃતિયાંશ કેસો માટે જવાબદાર રહ્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હેપેટાઇટિસ જેવા ચેપ સામે અસરકારક એન્ટીવાયરલ દવાઓ અને સારવાર ઉપલબ્ધ હોવાથી તેને સમયસર નિયંત્રિત કરીને મોટા પ્રમાણમાં કેન્સરના જોખમને અટકાવી શકાય તેમ છે.

'ધ લેન્સેટ ઓન્કોલોજી' નામના જર્નલમાં પ્રકાશિત આ અહેવાલમાં નિષ્ણાતોએ ભાર મૂક્યો છે કે કેન્સરના વધતા જતા પ્રકોપ પર અંકુશ મેળવવા માટે ઇન્ફેક્શન કંટ્રોલ અને નવી પ્રિવેન્ટિવ વેક્સિન વિકસાવવા પર વિશેષ ધ્યાન આપવું અત્યંત અનિવાર્ય છે. નાગરિકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને સ્વચ્છતા જાળવવી એ આ ગંભીર બીમારીઓથી બચવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.

સ્વાસ્થ્ય અને ચેપ નિયંત્રણ

શરીરમાં થતા સામાન્ય ચેપ કે ઇન્ફેક્શન્સને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. સમયસરની તપાસ, યોગ્ય સારવાર અને રસીકરણ દ્વારા મોટા રોગોના જોખમને અગાઉથી જ ટાળી શકાય છે, જે સ્વસ્થ સમાજની રચના માટે અત્યંત જરૂરી છે.