સોનાના હોલમાર્કિંગના દરોમાં મોટો ભાવ વધારો
-
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા નિર્ણય લેવાયો
-
અંદાજે ચાર સો કરોડનો આર્થિક ભાર પડ્યો
-
પ્રોસેસિંગનો સમય છ કલાકથી વધારીને કરાયો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
સોનાનાં દાગીનાની શુદ્ધતા પ્રમાણિત કરતી હોલમાર્કિંગ સિસ્ટમમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા તાજેતરમાં એક મોટો અને આશ્ચર્યજનક ભાવ વધારો કરવામાં આવ્યો છે. હોલમાર્કિંગનો દર પ્રતિ આર્ટિકલ 45 રૂપિયાથી વધારીને 75 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, જે સીધો 66.67 ટકા જેટલો મોટો વધારો દર્શાવે છે. આ નિર્ણયથી સમગ્ર જ્વેલરી ઈકોસિસ્ટમ પર અંદાજે 400 કરોડ રૂપિયાનો આર્થિક ભાર અને તેના પર 80 કરોડ રૂપિયાનો જીએસટીનો બોજ પડ્યો છે, જેના કારણે જ્વેલરી ઉદ્યોગ અને સામાન્ય ગ્રાહકો બંને ચિંતામાં મુકાયાં છે.
દરોમાં થયેલા આ અચાનક વધારાનાં કારણે બજારમાં અસામાજિક તત્વો અને કેટલાક અપ્રમાણિક જ્વેલર્સ દ્વારા નકલી હોલમાર્કિંગ સ્ટેમ્પિંગ કરવાનો અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનો ભય ઘણો વધી ગયો છે. ખાસ કરીને ટિયર-2, ટિયર-3 અને ટિયર-4ના નાના શહેરો કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ગ્રાહકોમાં હોલમાર્કિંગની વિગતો ચકાસવા અંગે પૂરતી જાગૃતિ નથી, ત્યાં ઓછી શુદ્ધતાવાળું સોનું પધરાવી દેવાના કિસ્સાઓ વધવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, હોલમાર્કિંગ પ્રોસેસિંગના સમયમાં પણ મોટો વિલંબ થઈ રહ્યો છે, જે વેપારીઓ માટે મુશ્કેલી રૂપ બન્યું છે. અગાઉ હોલમાર્કિંગનું કામ માત્ર 6 કલાકમાં પૂર્ણ થઈ જતું હતું, જ્યારે હવે તેમાં 24 થી 36 કલાક જેટલો લાંબો સમય લાગે છે. આ સમયગાળો વધવાથી જ્વેલર્સની કાર્યકારી મૂડી (વર્કિંગ કેપિટલ) અટવાઈ રહે છે અને તેમની નાણાકીય પડતર વધી જાય છે, જે સીધી જ તેમના વ્યાપાર પર વિપરીત અસર કરી રહી છે.
બીજી તરફ, ગ્રાહકોમાં દાગીના પરનાં 6 અંકના હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબરને ‘BIS કેર’ મોબાઇલ એપ દ્વારા ક્રોસ-ચેક કરવા અંગે બહુ ઓછી માહિતી છે. દેશનાં લગભગ 800 જિલ્લાઓમાંથી માત્ર 10 ટકા જિલ્લાઓમાં જ ગ્રાહકો આ એપ વિશે જાણે છે. આ તમામ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દ્વારા જૂના 45 રૂપિયાના દરો પુન:સ્થાપિત કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે, જેથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને મોટી રાહત મળી શકે.
સરકારી નીતિઓ અને વેપાર જગત વચ્ચે યોગ્ય તાલમેલ હોવો એ બજારની સ્થિરતા માટે અત્યંત આવશ્યક છે. જો હોલમાર્કિંગના ઊંચા શુલ્ક અને જટિલ પ્રક્રિયાઓનું સમયસર નિરાકરણ નહીં આવે, તો નાના વેપારીઓનો ધંધો મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને ગ્રાહકોના વિશ્વાસને પણ ઠેસ પહોંચી શકે છે.
જ્વેલરી ઉદ્યોગ અને ગ્રાહક સુરક્ષા
સોનાના શુદ્ધતા પ્રમાણપત્ર અને હોલમાર્કિંગ જેવી વ્યવસ્થાઓ ગ્રાહકોના હિત રક્ષણ માટે બનાવવામાં આવી છે, પરંતુ તેના નિયમો સરળ અને સધ્ધર હોવા જોઈએ. પારદર્શક વ્યવસ્થાપનથી જ ઉદ્યોગ અને ગ્રાહક બંને સુરક્ષિત રહી શકે છે.
અસલી ચિંતા ફી ની નથી, વિશ્વાસની છે...
BIS એ 14 સપ્ટેમ્બર 2026 થી સોનાની હોલમાર્કિંગ ફી 45 થી વધારીને 75 પ્રતિ દાગીના કરી દીધી છે. આ શુલ્ક જ્વેલર દ્વારા હોલમાર્કિંગ સેન્ટરને આપવામાં આવે છે, ગ્રાહક પાસેથી સીધું નહીં. હોલમાર્કિંગનો હેતુ જ એ છે કે ગ્રાહકને સોનાની શુદ્ધતા પર ભરોસો રહે. એવામાં જો હોલમાર્કિંગ સેન્ટર જ નિયમો સાથે ચેડાં કરે, તો આખી વ્યવસ્થાની વિશ્વસનીયતા પ્રભાવિત થઈ શકે છે.
આવી સ્થિતિમાં ગ્રાહક શું કરે?
ખરીદી કરતી વખતે દાગીના પર BIS લોગો, કેરેટ/ફાઈનનેસ અને HUID જરૂર જુઓ. બિલમાં દાગીનાની વિગત, શુદ્ધતા અને વજન નોંધાવો. HUID ને ઇઈંજ ની સુવિધા (BIS Care App) થી ચકાસવું પણ જરૂરી છે. હોલમાર્કિંગની ફી વધારવાની સાથે સાથે ઇઈંજ એ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે અધિકૃત સેન્ટરોમાં નકલી હોલમાર્ક અને કમિશન જેવી ફરિયાદો પર અસરકારક દેખરેખ રહે. આ માટે હોલમાર્કિંગ સેન્ટરોની સંખ્યા વધારવી જોઈએ. આ જ વ્યવસ્થા ગ્રાહકના ભરોસાને જાળવી રાખી શકે છે.
ક્યાં છે અસલી જોખમ?
એક HUID અનેક દાગીના પર લગાવવાની આશંકા : એક જ ડિઝાઈનના અલગ-અલગ દાગીના પર એક જ ઓળખ નંબર (HUID ) ઉપયોગ કરવાની ફરિયાદો સામે આવી છે.
20 કેરેટ સોનાને 22 કેરેટ બતાવવાનો આરોપ : આવા કિસ્સાઓમાં ગ્રાહકને તેની વાસ્તવિક શુદ્ધતા કરતાં ઓછી ગુણવત્તાવાળું સોનું વધુ શુદ્ધ બતાવીને વેચી શકાય છે.
કમિશનની રમત : કેટલાક હોલમાર્કિંગ સેન્ટરો વધુ કામ મેળવવા માટે જ્વેલર્સ, ઉત્પાદકો અથવા જથ્થાબંધ વેપારીઓને આર્થિક પ્રોત્સાહન (કમિશન) આપી રહ્યાં છે.
નાના શહેરોમાં વધુ જોખમ : ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનાં જણાવ્યાં મુજબ, આવી ફરિયાદો નાના શહેરો અને નગરોમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં વધુ સામે આવી રહી છે.