Loading Please Wait !!!
રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ: અર્થતંત્ર પર મોટું સંકટ

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ડોલર સામે રૂપિયો 95.34 સુધી પટકાયો; ક્રૂડ તેલ 126 ડોલરને પાર.

વિદેશી ફંડોના સતત આઉટફ્લો અને મોંઘા ઈંધણને કારણે ભારતીય ચલણ પર દબાણ વધ્યું.

હોર્મુઝ ખાડીમાં નાકાબંધીના સંકેતોથી તેલના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ; RBI એ હસ્તક્ષેપ કરવો પડ્યો.

સિટી ન્યુઝ @ મુંબઈ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર નવેસરથી હુમલાની શક્યતા અને હોર્મુઝ ખાડીમાં નાકાબંધીના સંકેતોને પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવમાં પ્રચંડ ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ તેલ પ્રતિ બેરલ 126 ડોલરની સપાટી વટાવી ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. તેલના ભાવમાં આવેલા આ ઉછાળાની સીધી અને નકારાત્મક અસર ભારતીય રૂપિયા પર પડી છે, જેના કારણે તે ડોલર સામે ગબડીને ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે.

ગુરુવારે ડોલર સામે રૂપિયો ઈન્ટ્રાડેમાં 95.34 સુધી પટકાયા બાદ છેવટે થોડો રિકવર થઈ 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ બંધ રહ્યો હતો. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપિયાને વધુ ઘટતો અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દરમિયાનગીરી કરવી પડી હતી. ભારત તેની ક્રૂડ તેલની જરૂરિયાત માટે આયાત પર વધુ નિર્ભર હોવાથી ઈંધણના ભાવ વધતા દેશના આયાત બિલમાં જંગી વધારો થાય છે, જે છેવટે ડોલરના આઉટફ્લોમાં વધારો કરે છે અને રૂપિયા પર દબાણ લાવે છે.

ચાલુ વર્ષ 2026માં ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારો (FII) દ્વારા મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ આશરે 20 અબજ ડોલરની ઈક્વિટીનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષના કુલ વેચાણ કરતા પણ વધુ છે. આ જંગી આઉટફ્લો અને આયાતકારો તરફથી ડોલરની સતત વધી રહેલી માંગને કારણે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે.

બીજી તરફ, અમેરિકન ફેડરલ રિઝર્વે નાણાં નીતિ અંગે પોતાનું જક્કી વલણ જાળવી રાખ્યું છે, જેના પરિણામે વૈશ્વિક બજારમાં ડોલર વધુ મજબૂત બની રહ્યો છે. ડોલરની મજબૂતી અને વૈશ્વિક લિક્વિડિટીની તાણ વચ્ચે ઉભરતા બજારોની કરન્સી જેવી કે રૂપિયા માટે રોકાણકારોના આકર્ષણમાં ઘટાડો થયો છે. ફોરેક્સ માર્કેટમાં હાલ પાઉન્ડ 128.23 રૂપિયા અને યુરો 111.06 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

રૂપિયામાં જોવા મળી રહેલા આ ઐતિહાસિક ઘટાડાને પગલે દેશમાં ફુગાવો એટલે કે મોંઘવારી વણસવાની ચિંતા નીતિવિષયકોમાં પ્રવર્તી રહી છે. જો ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો નહીં આવે અને વિદેશી ફંડોનો આઉટફ્લો ચાલુ રહેશે, તો આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર પર દબાણ વધુ વધશે. હાલ પૂરતું, નબળા રૂપિયાએ આયાતકારો અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો નવો પડકાર ઉભો કર્યો છે.