મોરબી મનપામાં બાયોમેટ્રિક કૌભાંડ: 13 શખ્સોએ મશીનને પણ છેતર્યું, નોંધાઈ પોલીસ ફરિયાદ
- અન્યના નામે આંગળીઓ અને ફેસ સ્કેન કરી સરકારી નાણાંની ઉચાપત; ડેપ્યુટી ઇજનેર લાલચોળ
- ઘરે બેઠા પગાર લેવાનું ઓનલાઈન કૌભાંડ; ડેપ્યુટી કમિશનરની તપાસમાં મસમોટું પાપ ખૂલ્યું
- મશીનમાં અલગ-અલગ આંગળીઓ રજિસ્ટર કરી આચર્યું કૌભાંડ; પોલીસે 13 સામે ગુનો નોંધ્યો
સિટી ન્યુઝ @ મોરબી : મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરી પૂરવાની સિસ્ટમમાં એક મસમોટું ઓનલાઈન કૌભાંડ સામે આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જે કર્મચારીઓ ખરેખર કામ પર આવતા ન હતા, તેમની પણ ઓનલાઈન હાજરી પૂરીને મહાપાલિકાના સરકારી નાણાં તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. આ મામલે મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેર દીપભાઈ સુરેશભાઈ ફળદુએ 13 શખ્સો વિરુદ્ધ મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.
આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ વિવિધ શાખાઓના હાજરી રજીસ્ટર અને ઓનલાઈન રિપોર્ટની ચકાસણી કરી. તપાસમાં બહાર આવ્યું કે 5 અને 6 તારીખના રિપોર્ટમાં કેટલાક કર્મચારીઓ પોતાના નામ સિવાય અન્ય સાથી કર્મચારીઓના નામની પણ હાજરી પૂરતા હતા. આ માટે તેઓએ બાયોમેટ્રિક મશીનમાં અત્યંત ચાલાકીપૂર્વક પોતાની અલગ-અલગ આંગળીઓ અને ફેસ સ્કેનિંગનો ઉપયોગ અન્ય ગેરહાજર કર્મચારીઓના નામે રજિસ્ટર કરી દીધો હતો.
કૌભાંડની આશ્ચર્યજનક પદ્ધતિ મુજબ, મુખ્ય આરોપી મંદિપ ચાવડા મશીનમાં લલિતકુમાર ચાવડા માટે જમણા હાથની આંગળી, રોહિતભાઈ માટે બીજી આંગળી અને અભયભાઈ ચૌહાણ માટે ડાબા હાથની પહેલી આંગળીનો ઉપયોગ કરીને હાજરી પૂરતો હતો. આવી જ રીતે વિમલ બાવળીયા નામનો આરોપી અંકુર કુંભારિયા, મહેશ, પ્રકાશ અને રાહુલ ડામોર સહિતના કર્મચારીઓ વતી હાજરી ભરી દેતો હતો. આમ, એક જ વ્યક્તિ મશીન પર અલગ-અલગ આંગળીઓ મૂકીને અનેક લોકોની ‘ઓનલાઈન એન્ટ્રી’ પાડી દેતો હતો.
પોલીસ ફરિયાદમાં મંદિપ ચાવડા, વિમલ બાવળીયા, અભય ચૌહાણ, સુનિલ મકવાણા, રોહિત, લલિત ચાવડા અને સંજય ચાવડા સહિત કુલ 13 શખ્સોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ટોળકીએ સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરીને કોઈ પણ કામ કર્યા વિના પગાર મેળવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. ડેપ્યુટી ઇજનેરની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાએ સરકારી કચેરીઓમાં વપરાતી બાયોમેટ્રિક સિસ્ટમની સુરક્ષા સામે પણ સવાલો ઉભા કર્યા છે. ડિજિટલ હાજરીમાં પણ આટલી સરળતાથી છેતરપિંડી થઈ શકે તે જોઈને ઉચ્ચ અધિકારીઓ સ્તબ્ધ છે. મોરબી પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કોઈ મોટા અધિકારી કે કાયમી કર્મચારીની સંડોવણી છે કે કેમ. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક નામો ખૂલવાની શક્યતા છે.