Loading Please Wait !!!
મોરબીમાં પાણી પર રાજકારણ: ‘ભાજપને મત નથી આપ્યા તો પાણી નહીં મળે’, વાઈરલ મેસેજથી હોબાળો

  • કોંગ્રેસ નેતા મુકેશ ગામી લાલચોળ; ‘તાકાત હોય તો પાણી બંધ કરી જુઓ’ કહીને આપી ખુલ્લી ચેતવણી
  • સત્તાનો નશો કે લોકશાહીનું અપમાન? મોરબીના વોર્ડ નં. 3 માં કિન્નાખોરીના આક્ષેપથી રાજકારણ ગરમાયું
  • મહેન્દ્રનગરમાં પાણીની તીવ્ર અછત વચ્ચે ભાજપ-કોંગ્રેસ આમને-સામને; આંદોલનની ચીમકી

સિટી ન્યુઝ @ મોરબી :  મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે શહેરના વોર્ડ નંબર 3 માં રાજકીય કિન્નાખોરીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાઓ હવે લોકોના પાયાના હક એવા 'પાણી' પર પણ હલકું રાજકારણ રમી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વ્હોટ્સએપ સ્ક્રીનશોટે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે.

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મહેન્દ્રનગર વિસ્તારમાં કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ. આ મુદ્દે જ્યારે એક સ્થાનિક આગેવાને ભાજપના પ્રચાર માટે બનેલા વ્હોટ્સએપ ગ્રૂપમાં રજૂઆત કરી, ત્યારે ઉકેલ લાવવાને બદલે તેમને અપમાનિત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. વાઈરલ થયેલા મેસેજ મુજબ, ભાજપના કથિત પ્રતિનિધિએ એવું નિવેદન કર્યું હતું કે, "આ લોકોએ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ કામ કર્યું હતું, તેથી તેમને પાણી આપવાનું થતું નથી અને તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી." એટલું જ નહીં, રજૂઆત કરનારને ગ્રૂપમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે કોંગ્રેસ નેતા મુકેશ ગામીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, "જો ભાજપના નેતાઓમાં તાકાત હોય તો પાણી બંધ કરી જુઓ, જો તમારા નળ ન કાપું તો હું પટેલના પેટનો નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે દરેક નાગરિક સમાન હોવા જોઈએ, પછી ભલે તેને મત આપ્યો હોય કે ન આપ્યો હોય. ભાજપના કોર્પોરેટરો આ વિસ્તારને પોતાની વારસાઈ પેઢી સમજી રહ્યા છે જે મોરબીની જનતા ક્યારેય સાંખી લેશે નહીં.

કોંગ્રેસ દ્વારા આ મુદ્દે હવે જડબાતોડ જવાબ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. વોર્ડ નંબર 3 ના તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો એકઠા થઈને આ વિસ્તારના લોકોને પૂરતી સુખ-સુવિધા મળે અને સત્તાપક્ષની દાદાગીરીનો અંત આવે તે માટે આંદોલનાત્મક લડત આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મુકેશ ગામીએ સ્પષ્ટ કર્યું કે આ લોકશાહીની મર્યાદાઓનું ઉલ્લંઘન છે અને જો તંત્ર જલ્દી જાગશે નહીં તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.

બીજી તરફ, પાણી જેવા સંવેદનશીલ મુદ્દે ઉઠેલા આ વિવાદ પર ભાજપના સ્થાનિક સંગઠન કે ચૂંટાયેલા સભ્યો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, આ ‘વ્હોટ્સએપ પોલિટિક્સ’ એ મોરબીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ વિવાદ શમે છે કે પછી પાણીનો આ પ્રશ્ન મોટા રાજકીય આંદોલનનું સ્વરૂપ લે છે. શહેરના જાગૃત નાગરિકો પણ પાયાની સુવિધાઓમાં થતા આવા પક્ષપાત સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.