Loading Please Wait !!!
સુરતે એક વિઝનરી નેતા ગુમાવ્યા: પૂર્વ મેયર અને MLA ડો. કનુભાઈ માવાણીનું નિધન

  • ચાર દીકરીઓએ કાંધ આપી પિતાને આપી અશ્રુભીની વિદાય; પાટીલ સહિતના દિગ્ગજો અંતિમયાત્રામાં જોડાયા
  • દીકરીઓએ પુત્ર હોવાની ફરજ અદા કરી; સુરતના રાજકીય અને શૈક્ષણિક જગતમાં ઘેરો શોક
  • કિડનીની બીમારી સામે જંગ હાર્યા; સી.આર. પાટીલ અને શહેર ભાજપ પ્રમુખે અર્પી પુષ્પાંજલિ

સિટી ન્યુઝ @ સુરત :  સુરત શહેરના રાજકારણ, શિક્ષણ અને સામાજિક સેવામાં દાયકાઓ સુધી સક્રિય રહેલા પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. કિડનીની બીમારી સામે ઝઝૂમી રહેલા ડો. માવાણીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સુરત સહિત સમગ્ર રાજ્યના શૈક્ષણિક અને રાજકીય જગતમાં ઘેરા શોકની લહેર ફરી વળી છે. આજે 9 મે ના રોજ નીકળેલી તેમની અંતિમયાત્રામાં હજારોની મેદની સાથે કેન્દ્રીય મંત્રીઓ અને સ્થાનિક નેતાઓએ અશ્રુભીની આંખે તેમને વિદાય આપી હતી.

અંતિમયાત્રા દરમિયાન સુરતના રસ્તાઓ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. ડો. કનુભાઈ માવાણીને પુત્ર ન હોવાથી તેમની ચાર દીકરીઓએ પિતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. અશ્રુભીની આંખે દીકરીઓએ પિતાને ખભો આપીને પુત્ર હોવાની ફરજ બજાવી ત્યારે ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ ભાવુક ક્ષણે સાબિત કર્યું કે ડો. માવાણીએ પોતાની દીકરીઓને કેવા સંસ્કાર અને મજબૂતી આપી હતી. અંતિમ સંસ્કારની વિધિમાં પરિવારના સભ્યો સહિત રાજકીય ક્ષેત્રના દિગ્ગજો મોટી સંખ્યામાં જોડાયા હતા.

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહીને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની સાથે સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા સહિતના નેતાઓએ દિવંગતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે ડો. માવાણીનું યોગદાન સુરતના વિકાસમાં અને રાજ્યના શિક્ષણ માળખાને મજબૂત બનાવવામાં હંમેશા યાદ રાખવામાં આવશે.

ડો. કનુભાઈ માવાણીની કારકિર્દી અત્યંત પ્રભાવશાળી રહી હતી. એક આયુર્વેદિક ડોક્ટર તરીકે શરૂઆત કરી તેઓ સુરતના મેયર પદ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય તરીકે પણ તેમણે જનતાના પ્રશ્નોને વાચા આપી હતી. તેમની શૈક્ષણિક સૂઝબૂઝને કારણે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. વરાછા અને પાટીદાર બહુલ વિસ્તારોમાં શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી શિક્ષણ સંસ્થાન (SSASIT) અને તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ જેવી સંસ્થાઓ ઉભી કરવામાં તેમની પાયાની ભૂમિકા હતી.

આજે એક એવા વિઝનરી નેતાની વિદાય થઈ છે જેમણે માત્ર રાજકારણ નહીં પણ સમાજ નિર્માણનું કાર્ય કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમના સમયમાં લેવાયેલા પારદર્શક નિર્ણયો અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને આપેલું પ્રોત્સાહન આજે પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો માટે પ્રેરણારૂપ છે. તેમના નિધનથી સુરતે એક વડીલ અને માર્ગદર્શક ગુમાવ્યા છે, જેમના શૈક્ષણિક અને સામાજિક કાર્યો આવનારી પેઢીઓ માટે હંમેશા જીવંત રહેશે.