અમેરિકા-ઇરાન યુદ્ધમાં સમજૂતીની આશા: ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ' પર લગાવી બ્રેક
- હોર્મુઝની નાકાબંધી યથાવત પણ સૈન્ય ઓપરેશન અટક્યું; ઇરાન સાથે વાતચીતમાં મોટી પ્રગતિ
- ડબલ્યુટીઆઇ ક્રૂડ 100 ડોલરના સ્તરે; મધ્ય પૂર્વમાં શાંતિના એંધાણથી ભારત સહિતના દેશોને ફાયદો
- પાકિસ્તાનની મધ્યસ્થી અને વૈશ્વિક અપીલ બાદ લેવાયો નિર્ણય; શાંતિના માર્ગે આગળ વધશે અમેરિકા
સિટી ન્યૂઝ @ વોશિંગ્ટન: મધ્ય પૂર્વના દેશોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા અમેરિકા અને ઇરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં હવે સમજૂતીની નવી આશા જાગી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા વેપારી જહાજોને બહાર કાઢવા માટે શરૂ કરેલું 'પ્રોજેક્ટ ફ્રીડમ' અને સૈન્ય અભિયાન 'ઓપરેશન એપિક ફ્યુરી' ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ઇરાની પ્રતિનિધિઓ સાથેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે અને શાંતિના માર્ગે આગળ વધવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો.
જોકે, પ્રોજેક્ટ ફ્રીડમ ભલે અટકાવી દેવામાં આવ્યો હોય, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સમુદ્રધૂની પર અમેરિકાની નાકાબંધી પુરી તાકાતથી યથાવત રહેશે. ઇરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે અમેરિકન સૈન્ય કાર્યવાહીમાં ઇરાની નૌકાસેનાને એટલું મોટું નુકસાન પહોંચ્યું છે કે હવે તેમની પાસે લડવા માટે એક પણ બોટ બચી નથી. અમેરિકા હવે કોઈ નવું યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ પોતાના સૈનિકો અને વૈશ્વિક ઓઇલ પુરવઠાની સુરક્ષા માટે એફ-16 વિમાનો દ્વારા પેટ્રોલિંગ ચાલુ રાખશે.
આ સકારાત્મક ઘટનાક્રમની સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી છે. અમેરિકા દ્વારા ઓપરેશન રોકવાની જાહેરાત થતા જ ક્રૂડ તેલના ભાવમાં કડાકો બોલાયો છે. અમેરિકન ક્રૂડ ઓઇલ (WTI) ની કિંમત આશરે 2.18% ઘટીને 100.04 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પણ 107 ડોલરના સ્તરે પહોંચ્યું છે. ઓઇલના ભાવમાં આવેલો આ ઘટાડો ભારત જેવા તેલ આયાતકાર દેશો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર છે.
બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઇરાન વિરુદ્ધ એક મહત્વનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ઇરાનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તે વેપારી જહાજો પર હુમલા અને ગેરકાયદેસર ટોલ વસૂલાત બંધ નહીં કરે, તો તેના પર અત્યંત કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવશે. સમુદ્રમાં બિછાવેલી માઇન્સની જાણકારી શેર ન કરવા બદલ પણ ઇરાન સામે આકરા પગલાં લેવાની તૈયારી બતાવવામાં આવી છે. અમેરિકા હાલ ઇરાન સાથે કાયમી સીઝફાયર થાય તેવા તમામ પ્રયાસો કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન સહિત અન્ય દેશોએ મધ્યસ્થીની ભૂમિકા ભજવીને આ ઓપરેશન રોકવા માટે અપીલ કરી હતી. પાકિસ્તાને આ મામલે કરેલી 'કાકલુદી' અને સમાધાનમાં કોઈ અવરોધ ન આવે તેવા ઉદ્દેશ્ય સાથે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઇરાન સાથેના વાર્તાલાપ પરથી જ મધ્ય પૂર્વની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનો નવો વળાંક નક્કી થશે. હાલમાં વિશ્વભરના દેશો આ શાંતિ પ્રક્રિયાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.