PM મોદીના આગમન પૂર્વે વડોદરા ઝળહળશે: શહેરના 210 મુખ્ય માર્ગો ચકાચક
- કમિશનરે જાતે રસ્તા પર ઉતરી સફાઈ કરી; 11 May ના રોડ શો પૂર્વે શહેર સજ્જ
- ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ મુખ્ય માર્ગો ચમક્યા; દબાણ હટાવવાની કામગીરી તેજ
- એરપોર્ટથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગો આઈકોનિક બનશે; રોડ વાઈડનિંગનું આયોજન.
સિટી ન્યૂઝ @ વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 May ના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. પીએમના રોડ શો અને પ્રવાસના રૂટને આઈકોનિક અને ભવ્ય બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા સ્વચ્છતા અભિયાન અત્યંત તેજ કરવામાં આવ્યું છે. આ અભિયાનની ગંભીરતાને જોતા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ પોતે રસ્તા પર ઉતરી સફાઈ કર્મચારીઓ સાથે જોડાઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.
વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા છેલ્લા અઢી મહિનાથી સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ‘વન ડે વન રોડ’ અને ‘વન ડે વન વોર્ડ’ કેમ્પેઈન અંતર્ગત તંત્રએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં શહેરમાં 18 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા 210 રસ્તાઓની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગોને સંપૂર્ણપણે સ્વચ્છ કરવામાં આવ્યા છે, જેથી પીએમના સ્વાગત માટે શહેર ઝળહળી ઉઠે.
મ્યુનિસિપલ કમિશનરે વિગતો આપતા જણાવ્યું કે શહેરમાં અંદાજે 3800 કિલોમીટરના રસ્તાઓ છે, જેમાંથી 1800 કિલોમીટર મુખ્ય માર્ગો છે. કોર્પોરેશને આગામી એક વર્ષમાં શહેરના તમામ 18 મીટરથી વધુ પહોળા રસ્તાઓને સંપૂર્ણ સ્વચ્છ કરવાનો સંકલ્પ લીધો છે. ઈસ્ટ ઝોનની કામગીરી બાદ હવે આગામી દિવસોમાં વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને વુડા (VUDA) વિસ્તારના રસ્તાઓ પર પણ આવી જ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.
માત્ર સફાઈ જ નહીં, પરંતુ એરપોર્ટ રોડ જેવા મહત્વના માર્ગોને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાનું પણ આયોજન છે. આ અંતર્ગત રસ્તાઓનું વાઈડનિંગ, ડિવાઈડર ક્લીનિંગ અને ગાર્ડન્સમાં પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરના સૌંદર્યીકરણમાં કોઈ કમી ન રહે તે માટે દબાણ હટાવવાની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી છે. કમિશનર પોતે સ્થળ પર હાજર રહીને કામગીરીની ગુણવત્તા ચકાસી રહ્યા છે.
આગામી દિવસોમાં પીએમ મોદીના પ્રવાસના રૂટ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. શહેરીજનોમાં પણ આ સ્વચ્છતા અભિયાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલી આ પહેલથી ન માત્ર પીએમના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ કાયમી ધોરણે શહેરને સુંદર બનાવવાની દિશામાં પણ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. 11 May સુધીમાં શહેરનો લુક સંપૂર્ણપણે બદલાઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.