દેવામાં ડૂબેલા પાકિસ્તાનની લાચારી: 50 વર્ષ પછી ફરી દારૂ વેચવાનું શરૂ કર્યું
- કંગાળ અર્થતંત્રને ટેકો આપવા ઇસ્લામિક પ્રતિબંધો ફગાવ્યા; બ્રિટન અને જાપાનને દારૂ નિકાસ કરશે.
- મરી બ્રુઅરીએ એપ્રિલ 2026 થી વિદેશોમાં બિયર અને આલ્કોહોલિક ડ્રિંક્સની સપ્લાય શરૂ કરી.
- ભુટ્ટો અને ઝિયા ઉલ હકે મુકેલા પ્રતિબંધો હટ્યા; બિન-મુસ્લિમ દેશોમાં વેચાશે પાકિસ્તાની બિયર
સિટી ન્યૂઝ @ ઇસ્લામાબાદ: આર્થિક દેવા અને કંગાળીના આરે ઉભેલા પાકિસ્તાને પોતાની આવક વધારવા માટે આખરે અડધી સદી જૂના પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને 50 વર્ષ બાદ ફરીથી અન્ય દેશોમાં દારૂનું વેચાણ અને નિકાસ શરૂ કરી છે. પાકિસ્તાનની એકમાત્ર સ્થાનિક કંપની 'મરી બ્રુઅરી' એ એપ્રિલ 2026 માં બ્રિટન, જાપાન, પોર્ટુગલ અને થાઈલેન્ડ જેવા દેશોમાં બિયર અને અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સની નિકાસ શરૂ કરી દીધી છે. ઇસ્લામિક નિયમોનો હવાલો આપીને દાયકાઓ પહેલા જે વેપાર બંધ કરાયો હતો, તેને હવે આર્થિક મજબૂરીમાં ફરી ખોલવો પડ્યો છે.
પાકિસ્તાન પર હાલમાં અંદાજે 138 અબજ ડોલરનું જંગી વિદેશી દેવું છે. નાણાકીય વર્ષ 2026 ના આંકડા મુજબ, સરકારની આવક માત્ર 40 અબજ ડોલર છે, જ્યારે ખર્ચ 58 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાને પોતાની કુલ કમાણીના અડધાથી વધુ હિસ્સો તો માત્ર જૂના દેવાના વ્યાજ ચૂકવવામાં જ ખર્ચ કરવો પડે છે. આવી કપરી પરિસ્થિતિમાં વિદેશી હૂંડિયામણ મેળવવા માટે પાકિસ્તાની સરકારે વર્ષ 2025 માં જ દારૂની નિકાસ માટે લીલી ઝંડી આપી દીધી હતી.
ઇતિહાસ પર નજર કરીએ તો, એપ્રિલ 1977 માં તત્કાલીન પીએમ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ રાજકીય દબાણ હેઠળ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ જનરલ ઝિયા ઉલ હકે આ કાયદાને વધુ કડક બનાવી તેને ઇસ્લામિક સજા સાથે જોડી દીધો હતો. જોકે, આ પ્રતિબંધો છતાં પાકિસ્તાનમાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનું ચલણ વધ્યું હતું. હવે પાકિસ્તાન સરકાર માત્ર એવા દેશોમાં દારૂ સપ્લાય કરી રહી છે જે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) નો ભાગ નથી, જેથી ધાર્મિક વિવાદોથી બચી શકાય.
મરી બ્રુઅરી કંપની અત્યાર સુધી માત્ર જ્યુસ અને મિનરલ વોટર જેવી નોન-આલ્કોહોલિક પ્રોડક્ટ્સ જ વેચી રહી હતી, પરંતુ હવે આલ્કોહોલ માર્કેટમાં પણ પકડ મજબૂત કરી રહી છે. વર્ષ 2021 માં પાકિસ્તાને બલુચિસ્તાનમાં ચીની કંપનીને પણ દારૂ બનાવવાની પરવાનગી આપી હતી. પાકિસ્તાની અર્થશાસ્ત્રીઓના મતે, આ નિર્ણય મોડો લેવાયેલો પણ અનિવાર્ય હતો, કારણ કે કાયદો બનાવીને લોકોની આદતો બદલી શકાતી નથી, પરંતુ સરકારી તિજોરી ચોક્કસ ખાલી થઈ જાય છે.
એક સમયનું ગૌરવવંતુ પાકિસ્તાન આજે વિશ્વભરમાંથી ભીખ અને દેવું માંગવા મજબૂર બન્યું છે. દારૂની નિકાસ શરૂ કરીને તે કેટલું દેવું ચૂકવી શકશે તે તો સમય જ કહેશે, પરંતુ આ નિર્ણયથી કટ્ટરપંથી સંગઠનોમાં રોષ ફેલાવાની શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ એશિયાનો ઇતિહાસ દર્શાવે છે કે આ પ્રદેશમાં દારૂનો વપરાશ 5000 વર્ષ જૂનો છે અને માત્ર કાયદાકીય પ્રતિબંધોથી આર્થિક કે સામાજિક બદલાવ લાવવો પાકિસ્તાન માટે અશક્ય સાબિત થયો છે. હવે રાવલપિંડી સ્થિત પ્રોડક્શન લાઈનો ફરીથી ધમધમતી થઈ છે.