Loading Please Wait !!!
અમદાવાદમાં લુબી કંપનીના 500 કર્મચારીઓ હડતાલ પર: મેમ્કોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

  • 18,000 સુધીના પગાર વધારાની માંગ સાથે કામદારોનો હોબાળો; કંપનીના દરવાજા કરાયા બંધ
  • રજૂઆતો છતાં ઉકેલ ન આવતા 500 થી વધુ કર્મચારીઓ મક્કમ; પ્લાન્ટમાં કામગીરી અટકી
  • સરકારી ધારાધોરણ મુજબ વેતન આપવા માંગ; મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે ટકરાવ

સિટી ન્યૂઝ @ અમદાવાદ:  અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી જાણીતી લુબી (LUBI) કંપનીમાં આજે સવારથી જ ભારે હોબાળો જોવા મળ્યો હતો. કંપનીના 500 થી વધુ કર્મચારીઓ પગાર વધારા અને ઓવર ટાઈમના મુદ્દે એકાએક હડતાલ પર ઉતરી જતા ઔદ્યોગિક એકમની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા વેતન વધારા અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના પરિણામે મજૂર સંગઠન અને કામદારોમાં ભારે રોષ ફેલાયો છે.

હાલમાં કર્મચારીઓ કંપનીના પ્લાન્ટ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હડતાલને કારણે સ્થિતિ વણસતા કંપની સત્તાધીશો દ્વારા તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક પણ કર્મચારીને બહાર આવવા દેવામાં આવતા નથી, જેને પગલે અંદર ફસાયેલા કર્મચારીઓના પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કામદારોની મુખ્ય માંગણી છે કે સરકારના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ તેમનો લઘુત્તમ પગાર 18,000 સુધી કરવામાં આવે. અગાઉ પણ પગાર વધારા અંગે મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા હોવાનો કામદારોએ દાવો કર્યો છે. આ ઉપરાંત ઓવર ટાઈમના કલાકો અને તેના બદલામાં મળતા વળતર અંગે પણ વિસંગતતાઓ હોવાથી કર્મચારીઓએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

કંપનીમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરતા હોવાથી ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે. હડતાલના કારણે લુબી કંપનીનું કારખાનું હાલમાં સદંતર બંધ હાલતમાં છે. કામદારોના જણાવ્યા મુજબ, મોંઘવારીના આ સમયમાં હાલનું વેતન પૂરતું નથી અને જ્યાં સુધી પગાર વધારા અંગે કોઈ લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બીજી તરફ, કંપની મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મધ્યસ્થી દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ કામદારો પોતાની માંગણીઓ પર મક્કમ છે. મેમ્કો જેવા વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે આસપાસની અન્ય કંપનીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આગામી સમયમાં શ્રમ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.