હાર્ટ બ્લોકેજમાં ક્યારે જરૂરી બને છે સ્ટેન્ટ? જાણો એક્સપર્ટ્સનો સાચો અભિપ્રાય
-
છાતીમાં દુખાવો કે અનિયમિત ધબકારામાં તાત્કાલિક તબીબી તપાસ અનિવાર્ય
-
બ્લોકેજનું સ્થાન, ગંભીરતા અને દર્દીની હિસ્ટ્રી જોઈને લેવાય છે સ્ટેન્ટનો નિર્ણય
-
એક્યુટ કોરોનરી આર્ટરી સંપૂર્ણ બ્લોક હોય ત્યારે 90 મિનિટમાં સ્ટેન્ટ મૂકવો હિતાવહ
સિટી ન્યુઝ @ હેલ્થ
હૃદયરોગ અને હાર્ટ બ્લોકેજને લઈને સામાન્ય લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ધમનીમાં બ્લોકેજ જણાય એટલે સ્ટેન્ટ મુકવો ફરજિયાત બને છે. જોકે તબીબી નિષ્ણાતોના મતે આ ધારણા સંપૂર્ણપણે સાચી નથી. ઘણા દર્દીઓને હૃદયની ધમનીઓમાં બ્લોકેજ હોવા છતાં સ્ટેન્ટની જરૂર પડતી નથી અને તેઓ માત્ર યોગ્ય દવાઓ તેમજ જીવનશૈલીના ફેરફારથી સ્વસ્થ થઈ જાય છે, જ્યારે કેટલાક ગંભીર કેસોમાં તાત્કાલિક સ્ટેન્ટ મૂકવો જીવનરક્ષક સાબિત થાય છે.
છાતીમાં દુખાવો થવો એ માત્ર હાર્ટ બ્લોકેજનું જ લક્ષણ હોય તે જરૂરી નથી, તેથી છાતીમાં દુખાવો થતાં જ સ્ટેન્ટ મૂકવાની જરૂરિયાત ઊભી થતી નથી. તેમ છતાં જો છાતીમાં સતત દુખાવો વધતો હોય, બ્લડ પ્રેશર અસ્થિર રહેતું હોય કે હૃદયના ધબકારા અનિયમિત થતા હોય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટ પાસે હેલ્થ ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી છે.
સ્ટેન્ટ મૂકવો કે નહીં તેનો આખરી નિર્ણય ડોક્ટરો દર્દીની વિસ્તૃત તપાસ અને એન્જિયોગ્રાફીના પરિણામોના આધારે લેતા હોય છે. જેમાં બ્લોકેજ કઈ મુખ્ય ધમનીમાં છે, બ્લોકેજ કેટલા ટકા અને કેટલું ગંભીર છે, હૃદય તરફ લોહીનો પ્રવાહ (Blood Flow) કેટલો અવરોધાયો છે તેમજ દર્દીની એકંદર શારીરિક સ્થિતિ અને જૂની મેડિકલ હિસ્ટ્રી કેવી છે તે તમામ બાબતોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવે છે.
જ્યારે કોઈ દર્દીને અચાનક સિવિયર હાર્ટ એટેક આવે અથવા એક્યુટ કોરોનરી આર્ટરી સંપૂર્ણપણે બંધ થઈ જાય, ત્યારે તાત્કાલિક સ્ટેન્ટ મૂકવો અનિવાર્ય બને છે. આવી કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલ પહોંચેલા દર્દી માટે શરૂઆતની 90 મિનિટમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવી હિતાવહ છે, જેથી બ્લોક થયેલી ધમની તરત ખુલી જાય છે અને હૃદયના સ્નાયુઓને થતું કાયમી નુકસાન અટકાવીને દર્દીનો જીવ બચાવી શકાય છે.
હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યા બાદ પણ દર્દીએ વિશેષ કાળજી રાખવી ફરજિયાત છે. સ્ટેન્ટ મુકાયા પછી પણ નિયમિત હેલ્ધી લાઇફસ્ટાઇલનું પાલન કરવું, ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દેવું, નિયમિત હળવો વ્યાયામ કરવો, વજન અને તણાવ નિયંત્રણમાં રાખવો તેમજ પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. સૌથી અગત્યનું એ છે કે ડોક્ટરે સૂચવેલી દવાઓ ક્યારેય પોતાની જાતે બંધ ન કરવી અને નિયત સમયે રૂટિન ચેકઅપ કરાવતા રહેવું.
હાર્ટ બ્લોકેજમાં સ્ટેન્ટ ક્યારે જરૂરી બને છે?
દરેક હાર્ટ બ્લોકેજમાં સ્ટેન્ટ મુકવો જરૂરી નથી હોતો; બ્લોકેજની ગંભીરતા, સ્થાન અને લોહીના પ્રવાહને આધારે ડોક્ટર નિર્ણય લે છે. સિવિયર હાર્ટ એટેકમાં 90 મિનિટમાં સ્ટેન્ટ મૂકવાથી બ્લોક ધમની ખુલી જતાં જીવ બચી શકે છે. સ્ટેન્ટ મુકાવ્યા બાદ નિયમિત દવાઓ લેવી, ધૂમ્રપાન છોડવું અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી અનિવાર્ય છે.