Loading Please Wait !!!
આંખના વધતા નંબરથી ચિંતિત છો? રોશની વધારવા અપનાવો 2 આયુર્વેદિક વસ્તુઓ

 

  • કલાકોના સ્ક્રીન ટાઈમથી થતી આંખની ડ્રાયનેસ અને બળતરામાં કુદરતી રાહત મળશે

  • મધ અને અશ્વગંધાના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો આંખના થાકને દૂર કરી રોશની વધારે છે

  • માયોપિયા અને ધૂંધળા દેખાવાની સમસ્યા સામે આયુર્વેદિક ઉપચાર અસરકારક

સિટી ન્યુઝ @ અમદાવાદ

આજના આધુનિક યુગમાં કલાકોના સતત સ્ક્રીન ટાઈમ, મોબાઇલ અને લેપટોપના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો તેમજ યુવાનોમાં આંખ સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આંખ ડ્રાય થવી, બળતરા થવી, આંખો લાલ થઈ જવી, ધૂંધળું દેખાવું કે માયોપિયા જેવી સમસ્યાઓના કારણે નાની ઉંમરે જ મોટા નંબરના ચશ્મા પહેરવાની ફરજ પડે છે. જો આંખના નંબર સતત વધતા હોય તો આયુર્વેદમાં જણાવેલા 2 નેચરલ ઉપાયો અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે.

આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર સંતુલિત આહાર અને યોગ્ય ઔષધીઓના સમન્વયથી આંખની નબળી રોશનીમાં સુધારો કરી શકાય છે. આંખના એકંદર સ્વાસ્થ્ય માટે મધ અને અશ્વગંધાનું મિશ્રણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. સંશોધનો દર્શાવે છે કે આ બંને કુદરતી ઔષધીઓ આંખના સ્નાયુઓને પોષણ પૂરું પાડીને દ્રષ્ટિ સ્પષ્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મધમાં કુદરતી એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે, જે આંખની સપાટી પર થતા સોજાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેની સાથે જ્યારે અશ્વગંધા ઉમેરવામાં આવે છે ત્યારે તેના ઔષધીય ગુણો બમણા થઈ જાય છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસ શરીરની સાથે આંખની નાજુક કોશિકાઓને નુકસાન પહોંચાડે છે, જેને આ મિશ્રણ અટકાવે છે.

મધ અને અશ્વગંધાના નિયમિત સેવનથી આંખનો થાક દૂર થાય છે અને આંખની રોશની વધારવામાં મદદ મળે છે. તેના એન્ટી-ઓક્સિડન્ટ ઘટકો નબળી દ્રષ્ટિને કુદરતી રીતે સુધારે છે અને રેટિના પર પડતા વધારાના તણાવને ઘટાડીને ચશ્માના વધતા નંબરને રોકવામાં સહાયક બને છે.

આ આયુર્વેદિક મિશ્રણ લેવાની પદ્ધતિ પણ ખૂબ સરળ છે. 3 ગ્રામ જેટલું શુદ્ધ અશ્વગંધા ચૂર્ણ લઈ તેને 1 ચમચી મધ સાથે સારી રીતે મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. આ મિશ્રણ લીધા બાદ 1 ગ્લાસ હૂંફાળું નવશેકું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી શરીર તેને ઝડપથી શોષી શકે.

આંખની રોશની વધારશે મધ અને અશ્વગંધા

સતત સ્ક્રીન ટાઈમથી વધતા આંખના નંબર અને ડ્રાયનેસ માટે મધ અને અશ્વગંધા અકસીર આયુર્વેદિક ઉપાય છે. મધના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ સોજા ઘટાડે છે અને અશ્વગંધા આંખનો થાક દૂર કરી રોશની સુધારે છે. 3 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ 1 ચમચી મધ સાથે મેળવી હૂંફાળા પાણી સાથે લેવું લાભદાયી છે.