Loading Please Wait !!!
છોકરા ઉપાડવા આવ્યોની શંકાએ યુવકની ઝાડ સાથે બાંધીને હત્યા

=> પડધરીના ખોખરી ગામમાં ચકચારી બનાવ: ઝાડ સાથે બાંધીને બેફામ ફટકારનાર માજી સરપંચ સહિત 3ની ધરપકડ : બેની શોધખોળ 

સિટી ન્યૂઝ@રાજકોટ : 

પડધરી તાલુકાના ખોખરી ગામેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વેરવિખેર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં છોકરા ઉપાડી જનારી ગેંગ આવ્યો હોવાની માત્ર આશંકા અને અફવાના આધારે એક નિર્દોષ પરપ્રાંતીય યુવકને ઝાડ સાથે દોરડાથી બાંધી, લાકડી, ધોકા અને લોખંડના પાઇપ જેવા બોથડ પદાર્થો વડે બેરહેમીથી ફટકારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ચકચારી હત્યાના મામલે પડધરી પોલીસે ખોખરી ગામના માજી સરપંચ ભીખુભા બાલુભા જાડેજા, જીગર જાડેજા, રઘુ સીતાપરાની  ધરપકડ કરી લીધી છે, જ્યારે હરીજીતસિંહ ઉર્ફે રાજા સહદેવસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, પડધરી પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 મોબાઇલ વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ખીમસુરીયા અને ડ્રાઈવર ખુશાલભાઈ રાઠોડ રાત્રિ ફરજ પર હતા.ગત તા ૧૩ના રોજ પોલીસ જ્યારે ખોખરી ગામે માં મઢવાળી પાન-કોલ્ડ્રિંક્સની દુકાન પાસે પહોંચી ત્યારે ત્યાં હૃદયકંપાવનારો નજારો હતો. અંધારામાં લીમડાના ઝાડ સાથે એક અજાણ્યા યુવકને સફેદ દોરડા વડે બાંધી રાખવામાં આવ્યો હતો અને આસપાસ ગામના ૨૫ થી ૩૦ લોકોનું ટોળું ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે ઊભું હતું. પોલીસે તાત્કાલિક યુવકને બંધનમાંથી મુક્ત કરી જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બેશુદ્ધ હતો. કોન્સ્ટેબલે ટોળાને પૂછ્યું કે ૧૧૨માં કોણે ફોન કર્યો હતો? ત્યારે ત્યાં હાજર ખોખરી ગામના માજી સરપંચ ભીખુભા બાલુભા જાડેજાએ આગળ આવીને કહ્યું કે ફોન તેમણે જ કર્યો હતો. યુવકને બાંધવાનું કારણ પૂછતાં માજી સરપંચે જણાવ્યું કે, "આ પરપ્રાંતીય યુવક ગામમાં રખડતો હતો અને ખેતરમાં કામ કરતા મજૂરો પર પથ્થરમારો કરતો હતો. ગામમાં છોકરા ઉપાડી જવાની વાતો ચાલતી હોઈ, અમને શંકા જતાં અમે બધાએ ભેગા મળી તેને પકડી, બાંધીને ધોલધપાટ કરી છે." યુવકની હાલત અત્યંત ગંભીર જણાતા પોલીસ માનવતાના નાતે તેને તુરંત સરકારી ગાડીમાં સુવડાવી ૩૦ કિલોમીટર દૂર પડધરી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. માજી સરપંચ પણ પોતાની ખાનગી ગાડી લઈને પાછળ હોસ્પિટલ આવ્યા હતા. જો કે, ફરજ પરના તબીબે યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

બનાવની ગંભીરતાને પગલે પીઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતકની ઓળખ ન થતાં અને શરીરે ગંભીર ઇજાઓ હોવાના કારણે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે રાજકોટ રિફર કરાયો હતો. પીએમની શોર્ટનોટમાં ખુલાસો થયો હતો કે યુવકનું મોત તેના શરીર, માથા, મોં, હાથ-પગ અને નિતંબના ભાગે થયેલી અસંખ્ય ગંભીર ઇજાઓ અને આંતરિક રક્તસ્ત્રાવના કારણે થયું છે.

પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ

ફોરેન્સિક રિપોર્ટ બાદ સાબિત થયું કે, છોકરા પકડવાની માત્ર શંકાના આધારે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, યુવકને ગેરકાયદેસર ગોંધી રાખી ક્રૂરતાપૂર્વક માર મારી તેની હત્યા નીપજાવી છે. આ અંગે ફરજ પરના કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ખીમસુરીયાએ પડધરી પોલીસ મથકમાં હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.