ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા.
-
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના.
-
અંબાલાલ પટેલે ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાવાની આગાહી કરી.
-
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય.
સિટી ન્યુઝ @ રાજકોટ
ગુજરાતમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ૧૯ અને ૨૦ ઑક્ટોબર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલીના દક્ષિણ ભાગો, મહુવા, ભાવનગર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છમાં વાદળછાયું વાતાવરણ અને પૂર્વ ગુજરાતના પંચમહાલ તથા દાહોદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે હવામાનમાં આ પલટો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર, ૧૫ થી ૨૦ ઑક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ રચાઈ શકે છે, જ્યારે ૧૬ થી ૨૦ ઑક્ટોબર દરમિયાન અરબી સમુદ્રના દક્ષિણ છેડા નજીક પણ નવી સિસ્ટમ વિકસવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર ગોવા, મુંબઈ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે છે.
સૌથી મોટું જોખમ ઓક્ટોબરના અંતિમ દિવસોથી નવેમ્બરની શરૂઆત વચ્ચે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ૨૮ ઑક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સક્રિય થઈને ચક્રવાત સર્જાવાની શક્યતા છે. કમોસમી વરસાદની આ સંભાવનાને કારણે ખેતરોમાં પાક તૈયાર હોય તેવા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.