અમેરિકા પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: Walmart, Google અને Micron સાથે બેઠકો
-
Walmart દ્વારા ગુજરાતના કારીગરો અને MSME ને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડાશે
-
Google યુવાનોને AI તાલીમ આપશે અને Micron ના સાણંદ પ્રોજેક્ટને મળશે વધુ વેગ
-
સેમીકંડક્ટર, એજ્યુટેક અને હેલ્થટેકના 100 થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ઉચ્ચસ્તરીય પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસી ખાતે વૈશ્વિક રિટેલ દિગ્ગજ Walmart ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના વિશાળ MSME સેક્ટર અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડીને નિકાસ વધારવા અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. કંપની દ્વારા 2019 થી અત્યાર સુધી 1.15 લાખથી વધુ MSME ને તાલીમ આપવામાં આવી છે અને 2028 સુધીમાં આ આંકડો 1.70 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. રાજ્ય સરકાર અને કંપની આગામી 3 થી 4 મહિનામાં સંયુક્ત વર્કશોપ યોજી Vibrant Summit 2027 માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરશે.
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અને ડેલિગેશને સાન ફ્રાન્સિસ્કોમાં Google અને Micron ની મુલાકાત પણ લીધી હતી. Google ના વાઈસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ રાજ્યના યુવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ તેમજ કૃષિમાં પાક પેટર્ન, સોઈલ-ક્લાઈમેટ ડેટા અને સાયબર સુરક્ષા ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત Micron ના ચેરમેન સંજય મેહરોત્રાએ સાણંદ ફેસિલિટી માટે 20 એકર જમીનની મંજૂરી માત્ર 1 જ દિવસમાં આપવા બદલ રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમની વિશેષ પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના 100 થી વધુ અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતના વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી અને બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ વૈશ્વિક કંપનીઓને ગુજરાતને માત્ર રોકાણનું કેન્દ્ર નહીં પરંતુ ફ્યુચર ટેક્નોલોજી અને વૈશ્વિક સપ્લાય ચેઈન માટે લાંબાગાળાનું વ્યૂહાત્મક ભાગીદાર ગણીને Vibrant Summit 2027 માં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
નવી પેઢીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં સહયોગ વધારવા માટે મુખ્યમંત્રીએ Perplexity ના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે ખાસ મુલાકાત કરી હતી અને ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ R&D સેન્ટર સ્થાપવાની સંભાવનાઓ ચકાસી હતી. આ સાથે જ સિલિકોન વેલીના The Indus Entrepreneurs (TiE) ના સભ્યો અને આગામી કોમનવેલ્થ ગેમ્સને લગતી તકો અંગે પણ ફળદાયી ચર્ચા હાથ ધરાઈ હતી.
વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીના ટ્રેન પ્રવાસ દરમિયાન ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ પરાક્રમસિંહ જાડેજા, જક્ષય શાહ અને ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સહિતનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું. આ તમામ બેઠકોમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસમાં મોટા રોકાણની ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકામાં Walmart, Google, Micron અને Perplexity સહિતના વૈશ્વિક દિગ્ગજો સાથે બેઠકો યોજી હતી. રાજ્યના MSME ને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા, AI તાલીમ આપવા અને સેમીકંડક્ટર સેક્ટરના વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. ગુજરાતને ફ્યુચર ટેક્નોલોજી અને R&D હબ બનાવવા વૈશ્વિક કંપનીઓને Vibrant Summit 2027 માટે આમંત્રણ પાઠવાયું છે.