Loading Please Wait !!!
આનંદીબેન પટેલની રજાથી રાજકીય અટકળો: UP માં નવા રાજ્યપાલની ચર્ચા

 

  • આનંદીબેન પટેલે રક્ષાબંધન નિમિત્તે 1 સપ્તાહની રજા મૂકતાં જ બદલીની ચર્ચાઓ શરૂ

  • 2019 થી યુપીના રાજ્યપાલ પદે રહેલા આનંદીબેનની ટર્મ પૂર્ણ, એક્સટેન્શન વગર કાર્યરત

  • યુપીની 60 થી 100 બેઠકો પર બ્રાહ્મણ મતદારો નિર્ણાયક સાબિત થાય છે

સિટી ન્યુઝ @ રાજકોટ

આગામી દિવસોમાં કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ અને પુનઃરચનાની પ્રબળ શક્યતાઓ વચ્ચે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના રાજ્યપાલો બદલાશે તેવી રાજકીય અટકળો તેજ બની છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક સપ્તાહની રજા મૂકતાં જ રાજકીય વર્તુળોમાં તેમની બદલી અથવા વિદાય અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચર્ચા એવી પણ છે કે આગામી સમયની ચૂંટણીઓને ધ્યાને રાખી ભાજપ પોતાની વોટબેન્ક મજબૂત કરવા યુપીમાં નવા રાજ્યપાલ તરીકે કોઈ અગ્રણી બ્રાહ્મણ ચહેરાને સ્થાન આપી શકે છે.

આનંદીબેન પટેલ વર્ષ 2019 થી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. બંધારણીય જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રાજ્યપાલ પદ પર રહી શકે છે, જેના કારણે સત્તાવાર મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેઓ હોદ્દા પર કાર્યરત છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની ટર્મ પણ પૂર્ણ થઈ છે, પરંતુ યુપીના રાજકીય સમીકરણોને કારણે આનંદીબેનની ચર્ચા સૌથી વધુ જોવા મળી રહી છે.
 
ઉત્તર પ્રદેશના રાજકારણમાં બ્રાહ્મણ મતો અત્યંત નિર્ણાયક પરિબળ માનવામાં આવે છે. રાજ્યની 403 વિધાનસભા બેઠકોમાંથી 60 બેઠકો પર બ્રાહ્મણોનો સીધો પ્રભાવ છે અને લગભગ 100 બેઠકો પર તેઓ પરિણામો બદલવાની ક્ષમતા ધરાવે છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષે આ વોટબેન્કમાં ગાબડું પાડ્યું હોવાથી ભાજપ બ્રાહ્મણ સમુદાયને ફરી મજબૂત રીતે પોતાની સાથે જોડવા માટે રાજ્યપાલ પદે બ્રાહ્મણ ચહેરો લાવી શકે છે.

બીજી તરફ, તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગણાતા ગોરખપુરમાં યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન આનંદીબેન પટેલે હોસ્ટેલ વ્યવસ્થા પર કરેલી આકરી ટિપ્પણીથી વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું હતું. આ ઘટનાના બીજા જ દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી અને આનંદીબેન પટેલ વચ્ચે લાંબા સમયથી ગાઢ રાજકીય સંબંધો રહ્યા છે.

આ સાથે જ આનંદીબેન પટેલ સાથે ગુજરાતનું રાજકીય પરિબળ પણ જોડાયેલું છે. રાજ્યમાં પાટીદાર મતદારોનું વિશેષ મહત્વ છે. આનંદીબેનના પુત્રી અનાર પટેલની ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદે થયેલી નિયુક્તિ પણ સૂચક માનવામાં આવે છે. જો આનંદીબેન રાજ્યપાલ પદેથી મુક્ત થાય તો પણ ગુજરાતના રાજકારણમાં તેમનો પ્રભાવ અને સન્માન એક શક્તિશાળી પરિબળ તરીકે યથાવત્ રહેશે.

યુપીના રાજ્યપાલ આનંદીબેનની વિદાયની ચર્ચા

આનંદીબેન પટેલે 1 સપ્તાહની રજા લેતાં યુપીમાં નવા રાજ્યપાલની નિમણૂકની અટકળો તેજ બની છે. રાજ્યની 60 થી વધુ બેઠકો પર પ્રભાવ ધરાવતી બ્રાહ્મણ વોટબેન્કને સાધવા ભાજપ બ્રાહ્મણ ચહેરાને રાજ્યપાલ બનાવી શકે છે. બીજી તરફ, અનાર પટેલની ખોડલધામ પ્રમુખ પદે નિયુક્તિ બાદ ગુજરાતના પાટીદાર રાજકારણમાં પણ આનંદીબેનનું પરિબળ મહત્વનું બની રહેશે.