લાયસન્સ રાજનો અંત: વેપાર-ઉદ્યોગ માટે લાયસન્સની મુદત 10 થી 15 વર્ષ થશે
-
પર્યાવરણ, ડ્રગ્સ, એક્સપ્લોઝિવ અને BIS સહિતના લાયસન્સની મુદત વધારાશે
-
દર વર્ષે નિયત ફી ભરવાની રહેશે, પરંતુ વારંવાર રિન્યુઅલ કરાવવાની જરૂર નહીં રહે
-
હોસ્પિટાલિટી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં નિયમનોનું ભારણ હળવું થશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશમાં સામાન્ય નાગરિકોથી લઈને નાના-મોટા વેપાર-ઉદ્યોગો સામે રહેલી કાયદાકીય અને વહીવટી ઝંઝટોને હળવી કરવા માટે કેન્દ્ર સરકારે મોટા સુધારાની દિશામાં કવાયત શરૂ કરી છે. પરંપરાગત લાયસન્સ રાજને પૂર્ણ કરવાના ઉદ્દેશથી વિવિધ સરકારી વિભાગોમાંથી મેળવવામાં આવતા વ્યાપારિક લાયસન્સની મુદત વધારીને 10 થી 15 વર્ષ સુધીની કરવા માટે ગંભીર વિચારણા ચાલી રહી છે.
કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, પર્યાવરણ, ડ્રગ્સ, એક્સપ્લોઝિવ તેમજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સહિતના વિવિધ વિભાગોના કાર્યક્ષેત્ર હેઠળ આવતી મંજૂરીઓ માટે આ સુવિધા લાગુ કરવાની યોજના છે. હાલ હોસ્પિટાલિટી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકોએ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસેથી 30 થી 60 જેટલા અલગ-અલગ લાયસન્સ લેવા પડે છે અને દર 1 થી 5 વર્ષમાં તેને રિન્યુ કરાવવા પાછળ મોટો સમય અને ખર્ચ વેડફાય છે.
શરૂઆતમાં લાયસન્સ પ્રથા સંપૂર્ણ બંધ કરવા અથવા આજીવન લાયસન્સ આપવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ સુરક્ષા અને પર્યાવરણીય નિયમોને ધ્યાને રાખીને હવે 10 થી 15 વર્ષના લાંબા ગાળાના લાયસન્સ આપવાનો વ્યવહારુ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. નીતિ આયોગના સભ્ય અને પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા આ સુધારાની સમગ્ર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
સૂચિત વ્યવસ્થા હેઠળ વેપારીઓ અને ઉદ્યોગોએ વાર્ષિક ધોરણે નિયત ફી ભરવાની રહેશે, પરંતુ તેમને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા કે રિન્યુઅલની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. તમામ સંબંધિત મંત્રાલયો આ કવાયતમાં સહમત હોવાથી ચાલુ નાણાકીય વર્ષમાં જ આ ભલામણોનો અમલ શરૂ થઈ જવાની સંભાવના છે.
સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ સુધારો લાયસન્સ નાબૂદ કરવા માટે નથી, પરંતુ પ્રક્રિયાને ઝડપી અને મુશ્કેલીમુક્ત બનાવવા માટે છે. ભારત સરકારના સુધારાઓને કારણે Ease of Doing Business રેન્કિંગ 2014 ના 142 મા સ્થાનેથી સુધરીને 2020 માં 63 મા સ્થાને પહોંચ્યું હતું, અને આ નવો નિર્ણય દેશના ઉદ્યોગ જગતને વધુ ગતિ અને સરળતા પૂરી પાડશે.
વેપાર લાયસન્સની મુદત 15 વર્ષ કરાશે
વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વારંવારના રિન્યુઅલમાંથી મુક્તિ આપવા કેન્દ્ર સરકાર લાયસન્સની મુદત 10 થી 15 વર્ષ કરવાની તૈયારીમાં છે. રાજીવ ગૌબા કમિટીની ભલામણ અનુસાર ઉદ્યોગોએ દર વર્ષે નિયત ફી ભરવી પડશે, પરંતુ રિન્યુઅલ પ્રક્રિયામાંથી કાયમી મુક્તિ મળશે. આ મહત્વપૂર્ણ સુધારો ચાલુ નાણાકીય વર્ષથી જ અમલમાં આવવાની શક્યતા છે જેથી ઉદ્યોગોને મોટી રાહત મળશે.