ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 414 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી
-
226 બિન-હથિયારી, 129 હથિયારધારી અને 59 હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીઓનો સમાવેશ
-
દંપતી સરકારી સેવામાં હોય તેવા કિસ્સાઓ અને પારિવારિક રજૂઆતોને અપાયું મહત્વ
-
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાં નવી ફરજ સોંપાઈ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 જેટલા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલીના મહત્વપૂર્ણ આદેશો જારી કરવામાં આવ્યા છે. પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, રાજ્યભરમાં ફરજ બજાવતા અનાર્મડ અને આર્મડ પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક તેમજ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને વિવિધ જિલ્લાઓ અને કમિશનરેટ વિસ્તારોમાં નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
બદલીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, અનાર્મડ પોલીસ કોન્સ્ટેબલ (UPC) અને અનાર્મડ લોકરક્ષક (ULR) કક્ષાના કુલ 226 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે આર્મડ પોલીસ કોન્સ્ટેબલ (APC) અને આર્મડ લોકરક્ષક (ALR) સંવર્ગના 129 તેમજ અનાર્મડ અને આર્મડ હેડ કોન્સ્ટેબલ (UHC/AHC) કક્ષાના 59 કર્મચારીઓ સહિત કુલ 414 પોલીસ કર્મીઓને નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે.
આ સમગ્ર બદલી પ્રક્રિયામાં પોલીસ કર્મચારીઓની અંગત અને કૌટુંબિક મુશ્કેલીઓને વિશેષ ધ્યાને લેવામાં આવી છે. ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી સેવામાં હોય તેવા દંપતી કેસો તેમજ અન્ય વાજબી પારિવારિક કારણોસર કરવામાં આવેલી રજૂઆતોને માન્ય રાખીને કર્મચારીઓને તેમની અનુકૂળતા મુજબના જિલ્લા કે શહેરોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
જાહેર થયેલા આદેશો અનુસાર અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, વલસાડ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં મોટાપાયે આંતરિક ફેરબદલ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારના કર્મચારીઓને શહેરી કમિશનરેટમાં અને શહેરી કર્મીઓને જિલ્લાઓમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
પોલીસ વહીવટી તંત્ર દ્વારા તમામ બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની જૂની ફરજ પરથી મુક્ત થઈ નિયત સમયમર્યાદામાં નવી જગ્યાએ હાજર થવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી જગ્યાએ હાજર થયા બાદ પરત બદલી માટેની કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તેમજ વિભાગીય તપાસ હેઠળના કર્મચારીઓ માટે નિયત શરતો લાગુ રહેશે.
ગુજરાત પોલીસમાં 414 કર્મચારીઓની બદલી કરાઈ
ગુજરાત પોલીસ વિભાગે પતિ-પત્ની અને કૌટુંબિક રજૂઆતોને ધ્યાને રાખી 414 પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરી છે. જેમાં 226 બિન-હથિયારી, 129 હથિયારધારી કોન્સ્ટેબલ અને 59 હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરના એકમોમાં આ ફેરબદલ કરવામાં આવી છે અને કર્મીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા આદેશ કરાયા છે.