Loading Please Wait !!!
ભાવનગર લઠ્ઠાકાંડની અસર સુરત પહોંચી: ઝેરી દારૂ પીધેલો યુવક બ્રેઇન ડેડ

 

  • ભાવનગરમાં દારૂ પાર્ટી બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાની સ્થિતિ નાજુક

  • શરીરમાં મિથેનોલ ફેલાતાં ઓક્સિજન ઘટ્યો, સુરતની INS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

  • ભાવનગર કોર્ટે 13 આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

સિટી ન્યુઝ @ ભાવનગર

ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચી ગયો છે, જ્યારે અન્ય 30 થી વધુ લોકો હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ ઝેરી દારૂ કાંડની ગંભીર અસર સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત ગયેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકને સુરતની ખટોદરા સ્થિત INS હોસ્પિટલમાં તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી ICU માં દાખલ આ યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ અને જીવનરક્ષક દવાઓ પર રાખવામાં આવ્યા છે.

મેડિકલ વિગતો અનુસાર, સંજયસિંહ 16 August ના રોજ ભાવનગરમાં દારૂ પીને 17 August ની સવારે સુરત પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ આંખોની રોશની જતી રહી હતી અને એકાએક હાર્ટ એટેક આવતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ તાત્કાલિક CPR આપીને ધબકારા શરૂ કરાવ્યા હતા, પરંતુ તેઓ કોમામાં સરી પડ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગની પુષ્ટિ થઈ હતી, જેના કારણે મગજ સુધી ઓક્સિજન પહોંચતો અટકી ગયો હતો.

આ ચકચારી કેસમાં પોલીસે ઝડપી પાડેલા કુલ 21 આરોપીઓ પૈકીના 13 મુખ્ય આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને એકસૂરે ઠરાવ પસાર કરીને આ કેસના કોઈપણ આરોપી તરફે વકીલાત ન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસે બારકોડ નંબર 8901522000665 વાળી શંકાસ્પદ બોટલનો દારૂ ન પીવા માટે પણ લોકોને અપીલ કરી છે.

તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે સ્થાનિક બુટલેગર ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કેમિકલ સ્પેશિયાલિસ્ટ ગેંગને બોલાવી હતી. આરોપીઓએ અમદાવાદથી મિથેનોલ, વ્હાઇટ લિક્વિડ, ખાલી બોટલો અને બ્રાન્ડેડ રોયલ સ્ટેગના ડુપ્લિકેટ સ્ટીકરો મંગાવીને વરતેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે જ આ ઝેરી દારૂ તૈયાર કર્યો હતો.

સમગ્ર લઠ્ઠાકાંડમાં ઘોર બેદરકારી સામે આવતાં ઉચ્ચ પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગર રેન્જ આઈજી અને ડીજીપી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના PI એ.બી. પઢેરીયા તેમજ એલસીબી PI મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વરતેજ પોલીસ સ્ટેશનના અન્ય 4 પોલીસ કર્મચારીઓને પણ ફરજ મોકૂફી હેઠળ મૂકીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

લઠ્ઠાકાંડમાં 9 મોત, સુરતનો યુવક બ્રેઇન ડેડ

ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીધેલા સુરતના સંજયસિંહ ડોડિયાને મિથેનોલ પોઇઝનિંગના કારણે INS હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરાયા છે. ઘટનામાં મૃત્યુઆંક 9 થયો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. કોર્ટે 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બે PI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.