Loading Please Wait !!!
ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે જૂનાગઢ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

 

  • ભાવનગરમાં ઝેરી દારૂથી 9 મોત અને 35 થી વધુ લોકો સારવાર હેઠળ

  • નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગ

  • ચુસ્ત સરહદો વચ્ચે ઝેરી કેમિકલ કેવી રીતે પહોંચ્યું તે અંગે ઉઠાવ્યા સવાલ

સિટી ન્યુઝ @ જૂનાગઢ

ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 9 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે 35 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારી આ કરુણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હવે રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ઝેરી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ મૂકીને વિપક્ષે શાસક પક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.

આ ઘટનાના વિરોધમાં જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને અન્ય અગ્રણી નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે સરહદો પર ચુસ્ત પોલીસ પહેરો હોવા છતાં આટલી મોટી માત્રામાં ઝેરી કેમિકલ અને દારૂનું નેટવર્ક પહોંચવું એ ગૃહ વિભાગની નિષ્ફળતા દર્શાવે છે.

કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક તંત્ર અને વહીવટી અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું નેટવર્ક ચાલવું અશક્ય છે. સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત લઠ્ઠાકાંડમાં સામેલ તમામ મુખ્ય સૂત્રધારો અને તેમને રક્ષણ આપનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં ભરવા રજૂઆત કરાઈ હતી.

જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો નક્કી કરેલા સ્થળે મૌન ધરણાં અને પ્રદર્શન શરૂ કરે તે પૂર્વે જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં જ પોલીસે અટકાયતી પગલાં ભરીને શહેર પ્રમુખ સહિત તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી અને તમામને સરકારી વાહનોમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પીડિત પરિવારોમાં શોકનું મોજું છે, ત્યારે બીજી તરફ રાજ્યભરમાં રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી છે. જૂનાગઢમાં અટકાયત બાદ પણ કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી પીડિત પરિવારોને યોગ્ય ન્યાય નહીં મળે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત્ રહેશે.

લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરો ડિટેઈન

ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત બાદ જૂનાગઢમાં કોંગ્રેસે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. દારૂબંધીના અમલ સામે સવાલો ઉઠાવી કાર્યકરો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે શહેર પ્રમુખ મનોજ જોશી સહિતના આગેવાનોની અટકાયત કરી બી-ડિવિઝન પોલીસ સ્ટેશને ખસેડ્યા હતા.