સુરેન્દ્રનગરમાં રાજસ્થાનના આરસથી ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિર બનશે
-
મહંત સ્વામી મહારાજના સંકલ્પથી 2 એકરમાં આરસપહાણનું ભવ્ય મંદિર કંડારાશે
-
કુલ 20 એકર સંકુલમાં 4000 ભક્તો માટે વિશાળ સત્સંગ હોલ તૈયાર થશે
-
મંદિર નિર્માણ પૂર્ણ થાય ત્યાં સુધી રોજ 1 યુવાન નિર્જળા ઉપવાસ કરશે
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સ્વામિનારાયણ BAPS સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજના દિવ્ય સંકલ્પથી સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 2 એકર વિસ્તારમાં ભવ્ય અને નયનરમ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મંદિરના નિર્માણમાં રાજસ્થાનના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા શ્વેત આરસપહાણ (માર્બલ) નો ઉપયોગ કરવામાં આવશે, જેના પર ભારતીય શિલ્પકળાની ઉત્કૃષ્ટ કોતરણી કંડારવામાં આવશે.
મંદિર પરિસરનું સમગ્ર સંકુલ કુલ 20 એકર જમીનમાં ફેલાયેલું હશે. જેમાં 4000 થી વધુ હરિભક્તો એક સાથે બેસીને કથા-કીર્તનનો લાભ લઈ શકે તેવો વિશાળ સત્સંગ સભા હોલ, ભવ્ય અક્ષર પુરુષોત્તમ મંડપમ તેમજ નીલકંઠ વર્ણી અભિષેક મંડપમ સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પવિત્ર મંદિરના નિર્માણમાં માત્ર આર્થિક દાન જ નહીં પરંતુ ભક્તિ અને ત્યાગનો અનોખો મહિમા જોવા મળી રહ્યો છે. વર્ષ 2028 સુધીમાં જ્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યાં સુધી દરરોજ નિયમિત રીતે 1 જેન-ઝી યુવાન નિર્જળા ઉપવાસ કરશે. આ અનોખા ત્યાગ અભિયાન માટે હાલ 150 થી વધુ યુવાનોની સાંકળ રચાઈ ચૂકી છે.
યુવાનોની સાથે નાના બાળકો પણ ચોકલેટ, આઈસ્ક્રીમ અને મીઠાઈ જેવી પોતાની પ્રિય વાનગીઓનો ત્યાગ કરીને મંદિર નિર્માણના સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત અનેક ભક્તો જૂની પસ્તી અને નકામી વસ્તુઓ એકઠી કરીને તેમાંથી મળતી રકમ મંદિર સેવામાં અર્પણ કરી રહ્યા છે.
મંદિરના કોઠારી ધર્મચિંતન સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિરના નિર્માણ થકી નવી પેઢી અને યુવાનોમાં આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનું સિંચન થશે. અનેક હરિભક્તો અને યુવાનોએ નિયમિત 50 માળાના મંત્રજાપ તેમજ વિવિધ પ્રકારની તન-મન-ધનની સેવા કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે.
સુરેન્દ્રનગરમાં આરસનું ભવ્ય BAPS મંદિર બનશે
સુરેન્દ્રનગરમાં મહંત સ્વામી મહારાજના સંકલ્પથી 20 એકર સંકુલમાં રાજસ્થાનના આરસથી ભવ્ય BAPS મંદિર બની રહ્યું છે. વર્ષ 2028 સુધી દરરોજ એક યુવાન નિર્જળા ઉપવાસ કરી સમર્પણ આપશે. 4000 લોકોની ક્ષમતાવાળા હોલ સાથેના આ સંકુલ નિર્માણમાં બાળકો પણ મીઠાઈ-ચોકલેટનો ત્યાગ કરી ભક્તિભાવપૂર્વક સેવામાં જોડાયા છે.