સરકારી શાળાઓની બદહાલ સ્થિતિ: મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
-
લાતુર જિલ્લા પરિષદ શાળાની મુલાકાત બાદ દાદા ભુસેના રાજીનામાની માંગણી
-
'સ્કૂલ ઠીક કરો' અભિયાન હેઠળ સરકારી શાળાઓની વાસ્તવિકતા સામે લાવી
-
નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે છે અને વિદ્યાર્થીઓ સુવિધાઓ વિના તડપે છે: દીપકે
સિટી ન્યુઝ @ લાતુર
મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની જર્જરિત હાલત અને પાયાની સુવિધાઓના અભાવ સામે સામાજિક અને રાજકીય આક્રોશ સતત વધી રહ્યો છે. લાતુર જિલ્લાના ઔસા તાલુકા સ્થિત ઉજની ગામની જિલ્લા પરિષદ પ્રાથમિક શાળાની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ રાજ્યના શિક્ષણ મંત્રી દાદા ભુસે સામે આકરો મોરચો માંડી તેમના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી છે.
અભિજિત દીપકેએ શરૂ કરેલા 'સ્કૂલ ઠીક કરો' અભિયાન અંતર્ગત લાતુરની શાળાની મુલાકાત દરમિયાન શાળાઓની દયનીય સ્થિતિ જોઈને તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર હેલિકોપ્ટરમાં ફરવામાં વ્યસ્ત છે જ્યારે સામાન્ય પરિવારોના બાળકો પાયાની સુવિધાઓ વિના ભણવા મજબૂર બન્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે નેતાઓના પાલતુ કૂતરાઓને પણ આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઘણી સારી સુવિધાઓ મળી રહી છે.
વધુમાં તેમણે સત્તાધીશો સામે ખુલ્લો પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે જો શાસકો ખરેખર સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવા માંગતા હોય તો મંત્રીઓ અને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતાના બાળકોને પણ આ જ સરકારી શાળાઓમાં ભણાવવા મોકલવા જોઈએ. લાંબા સમયથી સત્તા પર હોવા છતાં સરકારી શાળાઓના માળખાકીય સુધારામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. શાળાની પાછળ પડેલા ભંગાર અને કચરાના ઢગલાના કારણે ઝેરી સાપ અને જીવજંતુઓ નીકળવાનો સતત ભય રહે છે. તાજેતરમાં રાજ્યમાં સાપ કરડવાથી થયેલા વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓને ટાંકીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં વહીવટી તંત્રની બેદરકારી સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
અભિજિત દીપકેએ માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારના માસૂમ વિદ્યાર્થીઓને કિલોમીટરો સુધી પગપાળા ચાલીને શાળાએ ન જવું પડે તે માટે સરકારે તાત્કાલિક સલામત પરિવહન (ટ્રાન્સપોર્ટ) સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. જર્જરિત વર્ગખંડો અને અસ્વચ્છ પરિસરને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરી બાળકોના જીવનું જોખમ ટાળવા વહીવટી તંત્રને કડક પગલાં ભરવા અનુરોધ કરાયો છે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ
મહારાષ્ટ્રના લાતુરની સરકારી શાળાની મુલાકાત બાદ અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રી દાદા ભુસેના રાજીનામાની માંગ કરી છે. શાળાઓમાં જર્જરિત વર્ગખંડો, ગંદકી અને સાપના ભય વચ્ચે ભણતા બાળકોની સ્થિતિ પર રોષ વ્યક્ત કરતાં તેમણે નેતાઓને પોતાના બાળકો સરકારી શાળામાં મોકલવા પડકાર ફેંક્યો હતો અને વિદ્યાર્થીઓને સલામત ટ્રાન્સપોર્ટ આપવા રજૂઆત કરી હતી.