Loading Please Wait !!!
સાયલા-ચોટીલા હાઈવે પર વન વિભાગનો દરોડો, ગેરકાયદે લાકડા ભરેલો ટ્રક ઝડપાયો

  • ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત; વલસાડથી મોરબી લઈ જવાતા લીલા લાકડા પકડાયા
  • આંબા-લીમડા સહિતના વૃક્ષોનું નિકંદન કાઢતા સ્મગલરો બેનકાબ; સંતરામપુરનો ડ્રાઈવર ગિરફ્તાર
  • વન વિભાગે ટ્રક અને મુદ્દામાલ કબજે કર્યો; આરોપી વિરુદ્ધ વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ

સિટી ન્યુઝ @  સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પરથી વન વિભાગે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર લાકડા ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડીને ગેરકાયદે ખનન અને વન કટાઈ કરનારા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરીને ટ્રક સહિત કુલ ૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને રાઉન્ડ સ્ટાફ દ્વારા સાયલા-ચોટીલા હાઈવે પર સામતપરના બોર્ડ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી આંબા, લીમડા, બોર અને આંબલી જેવી વિવિધ જાતિના લીલા લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગના અંદાજ મુજબ, જપ્ત કરાયેલા લાકડાની બજાર કિંમત આશરે ૨ લાખ રૂપિયા જેટલી થાય છે.

આ મામલે વન વિભાગે ટ્રકના ચાલક મંગળ ગૌતમ ડામોર (રહે. સંતરામપુર) ની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ તમામ લીલા લાકડા વલસાડના જંગલ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હતા અને તેને મોરબીના કારખાનાઓમાં પહોંચાડવાના હતા. આરોપી પાસે લાકડાની હેરાફેરી માટેના કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા કે વન વિભાગની પરમિટ મળી આવી નહોતી.

વન વિભાગે આ મામલે આરોપી મંગળ ડામોર વિરુદ્ધ વન અધિનિયમ (Indian Forest Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ૨ લાખના લાકડા અને ૧૮ લાખની કિંમતના ટ્રક સહિત કુલ ૨૦ લાખનો મુદ્દામાલ વન વિભાગના કબ્જામાં છે. આ ગેરકાયદે હેરફેર પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે, જેના મૂળ સુધી પહોંચવા માટે રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

પાટણવાડા અને સૌરાષ્ટ્રના હાઈવે પર લાકડાની ચોરી અને હેરાફેરી અટકાવવા માટે વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. આ સફળ કામગીરીને પગલે લાકડાના સ્મગલરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પર્યાવરણની જાળવણી માટે લીલા વૃક્ષો કાપવા એ ગંભીર ગુનો હોવાથી તંત્ર દ્વારા આ મામલે સખત દાખલો બેસાડવાની તૈયારી કરવામાં આવી છે.