કંડલા પોર્ટ પર જહાજના કાર્ગો હોલ્ડમાં 3 કામદારોનાં મોત
સિટી ન્યૂઝ@કંડલા
કચ્છના કંડલા દીનદયાલ પોર્ટ પર આજે ત્રણ શ્રમિકોના મોત થયા છે. બર્થ નંબર ૧૩ પર લાકડા ભરેલા ‘એમ.વી. પાન ઓપ્ટિમમ’ જહાજમાં કાર્ગો ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જહાજના કાર્ગો હોલ્ડ નંબર-૩ના મેનહોલ વિસ્તારમાં ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જહાજના ક્રૂ મેમ્બર અને પોર્ટના સ્ટાફ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ રાજેશ, માસુક અલી અને રાજ કુમાર તરીકે થઈ છે. આ શ્રમિકો ઋષિ શિપિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ કાર્યરત હતા. આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. શ્રમિકોના મોત પાછળનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.