Loading Please Wait !!!
રાજકોટમાં દવા કૌભાંડ એક લાયસન્સમાં 6-7 દુકાનો ચાલુ?

  • રાજકોટ બસપોર્ટ નજીક દવાનો મોટા જથ્થાનો ગેરકાયદે સંગ્રહ ?
  • રાજકોટ બસપોર્ટ નજીક દવાનો મોટા જથ્થાનો ગેરકાયદે સંગ્રહ? : એક લાયસન્સ પર 6-7 દુકાનોમાં ચાલતું ગેરકાયદે વેચાણ
  • એક લાયસન્સની આડમાં, કેટલાં કૌભાંડ તમે કરશો ?
  • નફાની લાલચમાં, માનવતા ક્યાં સુધી તમે વેરશો?
  • ચાંગોદરથી ચાલે છે ખેલ, ને રાજકોટમાં થાય છે બિલિંગ
  • તંત્રની નજરમાંથી ક્યાં સુધી તમે બચશો, જો જાહેર થશે સીલિંગ?
  • ખાતાની તપાસ આવતા જ, નવા લાયસન્સ માટે દોડ્યા
  • આવા લેભાગુ સંચાલકો, હવે તંત્ર સામે ક્યાં સુધી ટકશો?

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટના બસપોર્ટ જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં દવાની ગેરકાયદે સાચવણી અને વેચાણનું એક મોટું કૌભાંડ સામે આવાની શક્યતા છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોકમુખે ચર્ચાતી વિગતો અનુસાર, એક ચોક્કસ સિન્ડિકેટ દ્વારા આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. સંચાલકો પાસે માત્ર એક જ દુકાનનું કાયદેસરનું ડ્રગ લાયસન્સ છે. પરંતુ, આ એક લાયસન્સની આડમાં, તેની આસપાસની અન્ય ૬ થી ૭ દુકાનોમાં દવાનો અધધ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ અન્ય દુકાનો પાસે દવા રાખવા કે વેચવા માટેની કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી. અહીંથી જ દવાનું છૂટક અને જથ્થાબંધ વેચાણ પણ ચાલી રહ્યું હોવાનું મનાય છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે કંપનીનો દવાનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો, તે કંપની મુખ્યત્વે અમદાવાદના ચાંગોદર ખાતે સ્થિત છે. આ કંપની અમદાવાદ ખાતે દવાના ઉત્પાદન અને વેચાણનું લાયસન્સ ધરાવે છે. નિયમોનુસાર, જો કંપની અન્ય શહેરમાં સ્ટોક રાખવા ઈચ્છે, તો તેને તે શહેરના 'ખોરાક અને ઔષધ નિયમન તંત્ર' (FDCA) માંથી 'ગોડાઉન' કે 'ડેપો' માટેનું અલગ લાયસન્સ મેળવવું ફરજિયાત છે. જોકે, આ કિસ્સામાં ચાંગોદર સ્થિત કંપનીનો સ્ટોક રાજકોટની આવી બિનસત્તાવાર અને ગેરકાયદે જગ્યા પર રાખવામાં આવ્યો હોવાની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દવાનો આ ગેરકાયદેસર સ્ટોક ભલે અમદાવાદની કંપનીનો હોય, પરંતુ તેનું બિલિંગ રાજકોટની આ લાયસન્સ વગરની દુકાનોમાંથી જ થઈ રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ થયો કે, તંત્રની આંખમાં ધૂળ નાખીને આ મોટો આર્થિક વ્યવહાર ચાલી રહ્યો હતો.

તાજેતરમાં જ, સંબધિત વિભાગ દ્વારા આ સ્થળો પર અચાનક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ ભીનું સંકેલવા માટે, કંપનીના સંચાલકો દ્વારા રાજકોટ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જે તે કંપનીના નામે નવા લાયસન્સ માટે અરજી કરવામાં આવી હોવાનું પણ મનાય રહ્યું છે. તંત્ર દ્વારા હાલ આ અરજીની પ્રક્રિયા અને અગાઉના ગેરકાયદે સ્ટોકની તપાસ ચાલી રહી છે.

જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા આવા લેભાગુ સંચાલકો વિરુદ્ધ આગામી દિવસોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં કડક ફરિયાદ થાય તો નવાઈ નહીં. દવાનો ગેરકાયદે જથ્થો જપ્ત કરવાથી માંડીને, લાયસન્સ રદ કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.