Loading Please Wait !!!
અર્જુન મોઢવાડિયાનો પુત્ર દારૂ પાર્ટી કેસમાં નિર્દોષ

  • અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં 2016માં શરાબ પાર્ટી કેસ
  • 10 વર્ષે ચૂકાદો, તપાસ અધિકારી પર તોડનો આરોપ

સિટી ન્યૂઝ@અમદાવાદ : શહેરના સેટેલાઈટ વિસ્તારમાં વર્ષ 2016માં નોંધાયેલા શરાબ મહેફિલ કેસમાં લાંબા સમય બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આ કેસમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત કુલ 26 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટે 14 સાક્ષીઓ અને 26 દસ્તાવેજી પુરાવાની તપાસ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
આખા કેસની વિગતો એવી છે કે, આજથી દસેક વર્ષ અગાઉ 8 મે 2016ની રાત્રે તત્કાલીન PSI ચંદ્રકલા જાડેજાને બાતમી મળી હતી કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા અસાવરી ટાવરના એક ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેના આધારે પોલીસે રેડ પાડી અને સ્થળ પરથી પાર્થ મોઢવાડિયા સહિત 26 લોકોને ઝડપી પાડ્યા હતા. 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, વરુણ જૈન નામના શખ્સની બર્થડે પાર્ટી માટે તેના પિતા મનોજ જૈનની લિકર પરમિટ પરથી રાજકોટથી દારૂ લાવવામાં આવ્યો હતો.
જોકે, કેસ દરમિયાન બચાવ પક્ષના વકીલો એ. બી. પટેલ અને બી. પી. ઝાલાએ પોલીસ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ દલીલ કરી હતી કે રેડ દરમિયાન ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો હતો, જે શંકાસ્પદ પરિસ્થિતિ દર્શાવે છે. ઉપરાંત, PSI દ્વારા રેડ અંગે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી નહોતી અને કોઈ સ્વતંત્ર સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા નહોતા.
વધુમાં, કેસમાં પંચ સાક્ષી તરીકે પોલીસ સ્ટેશન બહારના ચા વેચનારને સામેલ કરાયો હતો. તેમજ આરોપીઓએ PSI ચંદ્રકલા જાડેજા પર જામીન અને મહિલાઓ-બાળકોને છોડવા બદલ 4 લાખ રૂપિયાની માંગણી કરવાનો આક્ષેપ પણ કર્યો હતો, જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ હતી.
કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓમાં પણ ખામી જોવા મળી હતી. આરોપીઓના બ્લડ સેમ્પલ સમયસર લેવામાં આવ્યા નહોતા અને સીલ કરવાની પ્રક્રિયામાં પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. ઉપરાંત, રેડ દરમિયાન હાજર મહિલાઓની સંખ્યા પણ નોંધવામાં આવી નહોતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.વી. ભટ્ટની કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે.