Loading Please Wait !!!
"છોટા ઉદેપુરમાં ઈદની રોનક: સાત તાલુકાઓમાં આસ્થા સાથે ઉજવાઈ ઈદ-ઉલ-ફિત્ર"

  • નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો સંગમ - દેશમાં અમન અને શાંતિ માટે ગુંજી દુઆઓ
  • નવા વસ્ત્રો, ગળે મળતા મિત્રો અને બાળકોની 'ઈદી' - નસવાડીમાં કોમી એકતાના અદભૂત દર્શન.
  • વિશ્વ શાંતિ માટે વિશેષ પ્રાર્થના - જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવાયો મીઠી ઈદનો તહેવાર.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્રનો પવિત્ર તહેવાર પરંપરાગત આસ્થા અને ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. પવિત્ર રમઝાન માસના કઠિન રોજા પૂર્ણ થયા બાદ આજે મુસ્લિમ સમાજના લોકોએ ઈદની ઉજવણી કરી હતી. જિલ્લાના સાત તાલુકાઓમાં આવેલી મસ્જિદો અને ઈદગાહ મેદાનોમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો સજીને નમાઝ અદા કરવા પહોંચ્યા હતા.

ઉજવણીનું સૌથી સુંદર દ્રશ્ય નસવાડી તાલુકામાં જોવા મળ્યું હતું. નસવાડી ઈદગાહ મેદાન ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ શિસ્તબદ્ધ રીતે નમાઝ અદા કરી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં, પરંતુ સ્થાનિક હિન્દુ ભાઈઓએ પણ મેદાન પર પહોંચીને મુસ્લિમ મિત્રોને ગળે મળી 'ઈદ મુબારક' પાઠવ્યા હતા. આ ભાઈચારાએ સાબિત કર્યું કે તહેવારો માત્ર મઝહબના નહીં પણ માનવતા અને એકતાના પ્રતીક છે.

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નમાઝ બાદ ખાસ દુઆનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશમાં અમન-શાંતિ જળવાઈ રહે અને ભારત પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. નાના બાળકોમાં ઈદને લઈને અનેરો રોમાંચ જોવા મળ્યો હતો, તેઓ વડીલોના પગે લાગી આશીર્વાદ સાથે ઈદી લેતા નજરે પડ્યા હતા. ઈદના તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જિલ્લામાં તહેવારની પુર્ણાહુતી થઈ હતી.