જૂનાગઢમાં એસસી-એસટી સ્કોલરશીપ કૌભાંડ મામલે 'ગુજરાત એજ્યુકેશન' સામે FIR!
-
જોષીપરા વિસ્તારની મેરીગોલ્ડ કોમ્પ્લેક્ષની ઓફિસમાં ચાલતું કૌભાંડ ઝડપાયું.
-
ફ્રીશીપ કાર્ડ હેઠળ કોઈ ફી ભર્યા વિના અભ્યાસ કરવાની અપાતી હતી લાલચ.
-
ફીનો પેમેન્ટ બેંકમાં વિદ્યાર્થીઓના નામે નવા ખાતા ખોલાવવામાં આવ્યા હતા.
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ, જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ચાલી રહેલી 'ગુજરાત એજ્યુકેશન' નામની સંસ્થામાં ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલ ટીમના સ્ટિંગ ઓપરેશન બાદ જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી છે અને સંસ્થાના સંચાલક દર્શન નટવરદાસ મેસવાણીયા સામે ગુનો નોંધ્યો છે. આ આરોપી મુખ્યત્વે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓને કોલેજ કે ક્લાસમાં ગયા વગર ફ્રીશીપ કાર્ડ હેઠળ ડિગ્રી અપાવવાની લાલચ આપીને નિશાન બનાવતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો મેળવીને તેમની જાણ બહાર અથવા બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા 'ફીનો પેમેન્ટ બેંક'માં નવા ખાતા ખોલાવતો હતો અને નવા સિમકાર્ડ એક્ટિવ કરાવીને બેંક કીટ તથા એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી લેતો હતો. સરકાર તરફથી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થતી સ્કોલરશીપની રકમ તે આ એટીએમ કાર્ડ દ્વારા ઉપાડી લેતો હતો.
પોલીસે દરોડા દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, ૧૧૦ નંગ સિમકાર્ડ કવર, ૯ એન્ડ્રોઈડ મોબાઈલ અને ૧૪૯ બેંક કીટ જપ્ત કરી છે. તેમજ શંકાસ્પદ માર્કશીટો પણ મળી આવી છે. હાલ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધીને PI ધનલક્ષ્મી ડાંગર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ વ્યવસ્થા અને સાયબર જાગૃતિ
શિક્ષણ જગતમાં થતી ગેરરીતિઓ અને સાયબર ફ્રોડથી બચવા માટે વિદ્યાર્થીઓએ હંમેશા અધિકૃત સંસ્થાઓ અને બેંક ખાતાઓની બાબતમાં સતર્ક રહેવું અત્યંત આવશ્યક છે.