Loading Please Wait !!!
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે દારૂડિયા કારચાલકે સર્જ્યો અકસ્માત!

  •  બુધવારે રાત્રે બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.
  • સ્થાનિક લોકોએ બહાર આવવાનું કહેતા ચાલકે વધુ આગળ જઈ અકસ્માત કર્યો.

  • ઈજાગ્રસ્ત કારચાલકને શ્રેયસ ત્રણ રસ્તા પાસેની ખાનગી હોસ્પિટલે ખસેડાયો.

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા, વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલા રોડ પર બુધવારે રાત્રે દારૂના નશામાં ચૂર થઈને કાર હંકારી રહેલા એક ચાલકે કાબૂ ગુમાવીને કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી. આ અકસ્માત સર્જાતા પહેલાં ચાલકે કેટલાક ટુ-વ્હીલર વાહનોને પણ અડફેટે લીધા હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અને નાકમાંથી લોહી નીકળવાની હાલતમાં ચાલક ફસાયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત કારચાલકને શ્રેયસ ત્રણ રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર અને હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ અલ્પેશ ત્રીકમભાઈ પટેલ (ઉં.વ. ૪૪, રહે. રાધાકૃષ્ણ ટેનામેન્ટ, વડસર, વડોદરા) તરીકે થઈ છે. ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • વાહન સલામતી અને કાનૂની શિસ્ત

વાહન ચલાવતી વખતે દારૂનું સેવન કરવું એ માત્ર કાનૂની ગુનો જ નથી પરંતુ પોતાના અને અન્ય નિર્દોષ નાગરિકોના જીવ માટે પણ ઘાતક સાબિત થાય છે, જેના પર ટ્રાફિક પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવે છે.