Loading Please Wait !!!
આરોપીને જાહેરમાં ડંડા મારનાર DCP નકુમ સામે સસ્પેન્શનનો ખતરો!

  • વાયરલ વીડિયોએ વધારી મુશ્કેલી; સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં આરોપીઓને જાહેર રસ્તામાં ફેરવી ઢોર માર માર્યો હતો
  • વકીલની રજૂઆત બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈ કાર્યવાહી શરૂ કરી

સિટી ન્યૂઝ@સુરત

સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને ૧૩ જુલાઈએ જાહેર રસ્તા પર ફેરવી ઢોર માર મારનાર DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થતો હોય વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો લેવા માટે અરજી કરી હતી. જે અરજીનો સ્વીકાર કરી હાઈકોર્ટે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના નાસીરનગર ડિમોલિશન સમયે પણ ડીસીપી નકુમની હાજરીને લઈ સવાલો ઉઠ્યા હતા.

આ સમગ્ર મામલાની બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, સલાબતપુરાના ખૂનની કોશિશના કેસની તપાસ હાલ એસટીએસી (ST/SC) સેલના એસીપી ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઝોનના મૂળ ડીસીપી અમદાવાદ રથયાત્રાના બંદોબતમાં હતા, જેથી ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપાયો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સ્થળ પર એસોજી (SOG)ની ટીમને તેડાવી લીધી હતી. વીડિયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસોજીની ટીમ પણ સાહેબના પગલે ચાલીને આરોપીઓને જાહેરમાં નિર્દયતાથી માર મારતી નજરે પડી હતી.

હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હતા. આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યા. આના સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર ૨૫થી વધુ લાકડીના ઘા કર્યા હતા. ગત ૧૫મી જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ચીફ જસ્ટિસને એક અત્યંત મહત્વપૂર્ણ પત્ર લખીને આ સમગ્ર મામલે હાઈકોર્ટ પોતે 'સુઓ મોટો' (Suo Motu) હાથ ધરે તેવી માંગ કરવામાં આવી હતી. એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આલું બેફામ વર્તન એ કાયદાના શાસન અને આપણી બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. જો આ ગંભીર આરોપો સાચા સાબિત થાયતો તે ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) અને કલમ ૨૧ (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નું ઘોર ઉલ્લંઘન દર્શાવે છે. કાયદા મુજબ, કોઈપણ પોલીસ અધિકારી ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર કેમ ન હોય, પણ તેને અદાલતી ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ આરોપીને સજા કરવાનો કે જાહેરમાં અપમાનિત કરવાનો

કોઈ જ કાયાની અધિકાર નથી. ગુનાની તપાસ કરવાની સત્તા ક્યારેય પણ જાહેરમાં આવી ક્રૂર સજા આપવાના લાયસન્સમાં ફેરવાઈ શકે નહીં. ઉત્કર્ષ દવેની અરજી બાદ આ મામલે હાઈકોર્ટે 'સુઓમોટો' સંજ્ઞાન લઈ કાર્યવાહી શરૂ કરી દીધી છે. કાયદાના જાણકાર અને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારી દ્વારા જ અદાલતના આદેશોના ધજાગરા ઉડાવાતાં હવે IPS રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક ઐતિહાસિક ચુકાદાઓમાં આરોપીઓની અટકાયત અને કસ્ટડી દરમિયાન તેમની સાથે કેવું વર્તન કરવું તે અંગે અત્યંત સ્પષ્ટ અને કડક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવેલી છે.