એમેઝોનમાં AI યુગની શરૂઆત: 30000 ની છટણી બાદ 11000 ની નવી ભરતી
ટેક સેક્ટરમાં મોટું પરિવર્તન; જૂની નોકરીઓ ગઈ પણ એઆઈ નિષ્ણાતો માટે ખુલ્યા દ્વાર.
એઆઈ નોકરીઓ ખતમ નથી કરતું પણ નવી તકો સર્જે છે; સોફ્ટવેર એન્જિનિયર્સની માંગ વધી.
બે તબક્કામાં 30000 કર્મચારીઓ ઘટાડ્યા બાદ હવે એઆઈ સેક્ટરમાં 11000 ની જરૂરિયાત.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોને છેલ્લા એક વર્ષમાં તેના કર્મચારીઓની સંખ્યામાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ વિવિધ તબક્કામાં લગભગ 30000 નોકરીઓમાં ઘટાડો કર્યા બાદ હવે આશરે 11000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. આ આંકડાકીય ઉલટફેર પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી હોવાનું માનવામાં આવે છે, જે નોકરીઓના પરંપરાગત માળખાને બદલી રહી છે.
એમેઝોને બે મુખ્ય તબક્કામાં કર્મચારીઓની છટણી કરી હતી, જેને ટેક સેક્ટરની અત્યાર સુધીની સૌથી મોટી છટણી માનવામાં આવે છે. ૨૦૨૫ ના અંતમાં આશરે 14000 અને ત્યારબાદ જાન્યુઆરી 2026 માં વધુ 16000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. જોકે, આ છટણી બાદ હવે કંપની એઆઈ સેક્ટર સાથે જોડાયેલા સોફ્ટવેર એન્જિનિયર્સ, ટેકનિકલ નિષ્ણાતો અને ઇન્ટર્ન્સની ભરતી કરીને નવા કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, એઆઈ નોકરીઓનો સંપૂર્ણ નાશ નથી કરતું પરંતુ તેના સ્વરૂપમાં પાયાના ફેરફારો લાવી રહ્યું છે. હાલમાં ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે જોડાયેલા કામોમાં વધુ તકો ઊભી થઈ રહી છે, જેના કારણે કંપનીએ તેની ભરતીની વ્યૂહરચના બદલી છે. નિષ્ણાતો આ સ્થિતિને એક 'ટ્રાન્ઝિશન' તરીકે જોઈ રહ્યા છે, જ્યાં જૂની અને રૂટીન કામગીરી ધરાવતી નોકરીઓ ઘટી રહી છે અને તેની સામે ટેક-આધારિત નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે.
એમેઝોને તેની આંતરિક કામગીરીમાં પણ એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. કંપની હવે તેની ભરતી સિસ્ટમ (Recruitment System) માં પણ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેથી યોગ્ય ઉમેદવારોની પસંદગી ઝડપથી થઈ શકે. આ ઉપરાંત, ઓફિસની ઘણી રૂટીન અને વહીવટી કામગીરી માટે પણ હવે એઆઈ આધારિત ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી કાર્યક્ષમતામાં વધારો થયો છે.
એક તરફ નોકરીઓમાં મોટો કાપ અને બીજી તરફ નવી ભરતીની આ પ્રક્રિયા ઘણા લોકો માટે આશ્ચર્યજનક હોઈ શકે છે, પરંતુ તે ભવિષ્યના ટેક માર્કેટનો સંકેત છે. એમેઝોન જેવી મોટી કંપનીઓ હવે માનવ શક્તિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવા માંગે છે. આગામી સમયમાં ટેક ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એઆઈ અને સદ્યતન સોફ્ટવેર ટેકનોલોજીનું જ્ઞાન હોવું અનિવાર્ય બની જશે.