Loading Please Wait !!!
વર્ષ 2026માં ‘બડા મંગલ’નો મહાસંયોગ: અધિક માસને કારણે 4 નહીં પણ 8 મંગળવાર, જાણો હનુમાનજીને પ્રસન્ન કરવાની ગુપ્ત વિધિ

 

  • 5 મેના રોજ પ્રથમ જ્યેષ્ઠ મંગળવાર- 40 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ બદલી શકે છે તમારું ભાગ્ય

  •  જ્યેષ્ઠ માસમાં બજરંગબલીની કૃપા મેળવવાનો સુવર્ણ અવસર- જાણો દીવો પ્રગટાવવા માટે કયા તેલનો કરવો ઉપયોગ

  •  2 મેથી જ્યેષ્ઠ માસનો પ્રારંભ- મનોબળ વધારવા અને નકારાત્મકતા દૂર કરવા માટે હનુમાન ચાલીસા છે રામબાણ ઈલાજ

    હિન્દુ ધર્મમાં જ્યેષ્ઠ મહિનાના મંગળવારને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસો ‘બડા મંગલ’ અથવા ‘બુધ્વ મંગળ’ તરીકે ઓળખાય છે. પૌરાણિક માન્યતા મુજબ, આ જ મહિનામાં ભગવાન હનુમાનજી સૌપ્રથમવાર પ્રભુ શ્રી રામને મળ્યા હતા, તેથી આ સમય હનુમાન સાધના માટે સર્વોત્તમ છે. વર્ષ ૨૦૨૬માં જ્યેષ્ઠ માસમાં ‘અધિક માસ’ આવતો હોવાથી ભક્તો માટે આ વર્ષ ખાસ છે, કારણ કે આ વખતે ૪ કે ૫ ને બદલે કુલ ૮ બડા મંગળવારનો લ્હાવો મળશે.

    કેલેન્ડર મુજબ, જ્યેષ્ઠ માસનો પ્રારંભ ૨ મે થી થશે અને ૨૯ જૂન સુધી ચાલશે. જેમાં ૫ મે, ૨૦૨૬ના રોજ પ્રથમ ‘બડા મંગળ’ આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિના કાર્યોમાં સતત અવરોધ આવતા હોય, તો ૪૦ દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાધના અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે. જો ભક્ત દરરોજ ૧૦૦ વખત પાઠનો સંકલ્પ કરે, તો પવનપુત્ર તેના અટકેલા કામ અવશ્ય પૂર્ણ કરે છે.

    હનુમાનજીની પૂજામાં શુદ્ધતા અને શ્રદ્ધાનું વિશેષ મહત્વ છે. પૂજા સમયે કુશના આસન પર બેસી, લાલ વસ્ત્ર ધારણ કરી અને હનુમાનજીની મૂર્તિ સમક્ષ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. સિંદૂર અને લાલ ફૂલ બજરંગબલીને અત્યંત પ્રિય છે. પૂજામાં ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવવો એ પણ અચૂક ફળ આપે છે. ખાસ કરીને સ્ત્રીઓએ પૂજા કરતી વખતે એ ધ્યાન રાખવું કે તેમણે હનુમાનજીના માત્ર ચરણોમાં જ સિંદૂર અર્પણ કરવું.

    ૪૦ દિવસ સુધી નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી, પરંતુ મનોબળ અને આધ્યાત્મિક શક્તિમાં પણ ધરખમ વધારો થાય છે. ગ્રહદશા કે શનિની પીડા ભોગવતા લોકો માટે આ સમયગાળો દોષમુક્તિ માટે શ્રેષ્ઠ છે. હનુમાનજી સંકટમોચન છે, અને જે ભક્ત આ જ્યેષ્ઠ માસમાં પૂરી આસ્થા સાથે તેમનું શરણ લે છે, તેના જીવનના તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે તેવું શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે.