Loading Please Wait !!!
જામનગરમાં ACBનો મોટો કડાકો: આયુર્વેદ યુનિવર્સિટીમાં મદદનીશ ઈજનેર ₹4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા!

  • WHO રિસર્ચ સેન્ટર અને BSF તાલીમ કેન્દ્રના ઇલેક્ટ્રિક કામના બીલ અટકાવ્યા હતા - રાજકોટ એસીબીની ટીમનું સફળ ઓપરેશન
  • કોન્ટ્રાક્ટરના ભાગીદારની જાગૃતિએ લાંચિયા એન્જિનિયરને જેલના સળિયા ગણતા કરી દીધા - એસીબી પીઆઈ આર.એન. વિરાણીની કાર્યવાહી
  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં ખેલાયો હાઈ-વોલ્ટેજ ડ્રામા - ભ્રષ્ટાચાર વિરોધી દળની મોટી સફળતા

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આજે ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) એ એક મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના મદદનીશ ઈજનેરને લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ઇલેક્ટ્રિક શાખામાં ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીનાએ સરકારી કામના બિલો પાસ કરાવવાના બદલામાં કોન્ટ્રાક્ટર પાસે ₹4.52 લાખની લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ સફળ છટકું ગોઠવ્યું હતું.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી કોન્ટ્રાક્ટરને જામનગર પાસેના લાખાબાવળ હાઈવે પર આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અને WHO દ્વારા સંયુક્ત રીતે ચાલતા દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામગીરી તેમજ દેવભૂમિ દ્વારકાના મોજપ ગામે આવેલા BSF મરીન તાલીમ કેન્દ્રના ઇલેક્ટ્રિક ફિટિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના બિલો પાસ કરાવવા માટે મદદનીશ ઈજનેર વિજયકુમાર મીનાએ મોટી રકમની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરના ભાગીદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

રાજકોટ એસીબી મદદનીશ નિયામક જે.ડી. મેવાડાની સૂચનાથી એસીબી પીઆઈ આર.એન. વિરાણીએ તેમની ટીમ સાથે આજે બપોર બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી CPWD ની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના મિત્ર મારફતે ₹4.52 લાખની રકમ સ્વીકારવામાં આવી હતી. લાંચની રકમ સ્વીકાર્યા બાદ ઈજનેરે ફોન પર રકમ મળી ગઈ હોવાની કબૂલાત કરતા જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકીને વિજયકુમાર મીનાને ઝડપી લીધા હતા.

એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે લાંચની રકમ કબજે કરી આરોપી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી લાંબા સમયથી કોન્ટ્રાક્ટરોના કામોમાં અડચણો ઉભી કરીને નાણાં પડાવતો હતો.

હાલમાં એસીબીની ટીમ દ્વારા આરોપી વિજયકુમાર મીનાના નિવાસસ્થાને અને કચેરીમાં અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ અને જામનગર પંથકમાં એસીબી દ્વારા સતત કરવામાં આવતી આવી કાર્યવાહીથી ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ સરકારી અધિકારી લાંચની માંગણી કરે તો તુરંત એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવો.